Site icon Revoi.in

ભારત અને અમેરિકા વચ્ચેની આ ડીલ પર લાગી મહોર,સેનાની તાકાત અનેક ગણી વધી જશે

Social Share

દિલ્હી: જૂન 2023માં પીએમ મોદીના ત્રણ દિવસીય યુએસ પ્રવાસ દરમિયાન અમેરિકન કંપની GE અને ભારતીય કંપની HAL વચ્ચે થયેલા એમઓયુને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો બાઈડેન સરકારે યુએસ કોંગ્રેસ (સંસદ)ને ભારત સાથે જેટ એન્જિન (GE-F414) ટેકનિકલ કરાર વિશે માહિતી આપી છે.

રિપોર્ટ અનુસાર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 28 જુલાઈના રોજ કોંગ્રેસને આ માહિતી મોકલવામાં આવી છે અને જરૂરિયાત મુજબ 30 દિવસ પછી ડીલને મંજૂરી આપવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યુએસ સંસદ આ ડીલને મંજૂરી આપશે કારણ કે આ ડીલ કોઈપણ રીતે યુએસ રાષ્ટ્રીય સુરક્ષા હિતોની વિરુદ્ધ નથી.

બંને દેશો વચ્ચે આ ડીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય યુએસ મુલાકાત દરમિયાન થઈ હતી. અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) અને ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) વચ્ચે 22 જૂન 2023ના રોજ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

એક અહેવાલ અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે યુએસ કોંગ્રેસને એચએએલ દ્વારા ઉત્પાદિત એલસીએ માર્ક II એરક્રાફ્ટ માટે GE-F414 એન્જિન ટેક્નોલોજીના ભારતને સંપૂર્ણ ટ્રાન્સફર વિશે માહિતી આપી છે.

જો કે મોદી સરકાર દ્વારા આ સમગ્ર ડીલ પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ GE-F 414 એન્જિનનો ઉપયોગ LCA MK II, AMCA માર્ક I અને ટ્વિન એન્જિન ડેક બેઝ્ડ ફાઈટર (TEDBF)ને પાવર આપવા માટે કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, આ દાયકાના અંત સુધીમાં LCA MK II ફાઇટર માટે ઓછામાં ઓછા 100 એન્જિન અને ટ્વીન એન્જિન ડેક આધારિત ફાઇટર માટે 200 એન્જિનની જરૂર પડશે. જો બધું બરાબર રહ્યું તો, DRDOની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી 2024ના અંત સુધીમાં અથવા 2025ની શરૂઆતમાં એલસીએ માર્ક IIનો પ્રોટોટાઇપ વિકસાવશે.