Site icon Revoi.in

રાજકોટમાં પાણીનો બગાડ કરાશે તો મ્યુનિ.દ્વારા આકરો દંડ વસુલાશે, 123 અધિકારીને ફિલ્ડમાં ઉતાર્યા

Social Share

રાજકોટઃ શહેરના લોકો પાણીનો બીન જરૂરી વેડફાટ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘણા રહીશો નળમાં આવતા પાણી દ્વારા શેરી અને ચોક તેમજ ફળિયામાં પાણીનો છંટકાવ કરે છે. ઘણા લોકો પોતાની પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નળ ચાલુ રાખીને પાણી ગટરમાં જવા દેતા હોય છે. આમ બીન જરૂરી પાણીનો વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવતા મ્યુનિ. કોર્પોરેશને પાણીનો વેડફાટ કરનારા સામે આકરા દંડની જોગવાઈ કરી છે. અને 123 અધિકારીઓને ફિલ્ડમાં ઉતારીને દંડ વસુલવાની જવાબદીરી સોંપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના આજી અને ન્યારી ડેમ સૌની યોજના હેઠળ ચોમાસાની જેમ ભરેલા છે. આગામી વરસાદ સુધીનું પાણી રાજ્ય સરકારે ઠાલવી દીધું છે. રાજકોટને રોજ પાણી વિતરણ માટે ચિંતાની કોઇ જરૂર નથી પરંતુ ઉપલબ્ધ જળજથ્થો બચાવવાની જરૂર અને જવાબદારી સમજીને કમિશનર અમિત અરોરાએ તમામ વોર્ડમાં પાણીચોરી સામેનું ચેકિંગ શરૂ કરાવ્યું છે. તેના ભાગરૂપે દરેક વોર્ડમાં એક એક ટીમ લીડરની આગેવાનીમાં 7-7 અધિકારીને ફિલ્ડમાં ઉતાર્યા છે. કુલ 123 અધિકારી અને કર્મચારીને પાણીચોરી અને બગાડ રોકવા જવાબદારી આપીને ત્રણે ઝોનના આસિસ્ટન્ટ કમિશનરને કામગીરીના ઇન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા છે. ફળિયા ધોતા નજરે પડશે તો રૂપિયા 250 અને પાણીચોરી કરતા ઝડપાશે તો 2000નો દંડ ફટકારશે.

રાજકોટ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ કરેલા હુકમમાં જણાવ્યું છે કે, શહેરના જળસ્ત્રોતોમાં પાણી પુરવઠાની ઉપલબ્ધિ મર્યાદિત પ્રમાણમાં છે. આથી ભૂતિયા કનેક્શન, ડાયરેક્ટ પમ્પિંગથી પાણીચોરી અટકાવવી અનિવાર્ય છે. આ માટે તમામ 18 વોર્ડમાં ઘરે ઘરે સઘન ચેકિંગ ઝુંબેશ કરવામાં આવશે. ત્રણેય ઝોનમાં 123 જેટલા અધિકારીઓએ ત્રણ આસિસ્ટન્ટ કમિશનરને દૈનિક રિપોર્ટિંગ કરવાનું છે. જેમાં વેસ્ટ ઝોનમાં એસ.જે. ધડુક, સેન્ટ્રલમાં એચ.આર.પટેલ અને ઇસ્ટમાં વી.એસ. પ્રજાપતિનો સમાવેશ થાય છે. 18 વોર્ડમાં વોર્ડ એન્જિનિયર, આસિસ્ટન્ટ મેનેજર, એટીપી, વોર્ડ ઓફિસર, અધિક મદદનીશ ઇજનેર, વર્ક આસિસ્ટન્ટ અને એસઆઇને ટીમમાં લેવામાં આવ્યા છે. દરેક ટીમમાં વોર્ડ એન્જિનિયર પાણીચોરી પકડવાની ટીમના લીડર રહેશે. આ વ્યવસ્થા સાથેનું ચેકિંગ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. હુકમમાં પાણીચોરી કરનારા સામે કડક પગલાની સૂચના અપાઇ છે. ડાયરેક્ટ પમ્પિંગના કેસમાં આસામીઓની મોટર જપ્ત કરીને રૂ.2 હજાર દંડ લેવાશે. ચાર દિવસમાં દંડ ન ભરે તો નળ કનેક્શન કપાશે. કોઇપણ આસામી બીજી વખત ડાયરેક્ટ પમ્પિંગ કરતા પકડાઇ તો જપ્ત કરાયેલી ઇલેક્ટ્રિ્ક મોટર પરત નહીં અપાય અને આવા આસામીઓનું નળ કનેક્શન કાપી નાખવામાં આવશે. સાથોસાથ ભૂતિયા નળ ફરજિયાત રેગ્યુલર કરાવવાના રહેશે. બીજી વખત પકડાયેલા ગેરકાયદે નળ કનેક્શનના કિસ્સામાં રૂ. 5 હજારનો વહીવટી ચાર્જ વસુલી આસામી સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અને પાણીચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. સાથોસાથ દુષિત પાણીની ફરિયાદ દૂર થાય તે માટે ટીમે ક્લોરોસ્કોપ સાથે રાખી ગુણવત્તાની ચકાસણી સમાંતર કરવાની રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં ફળિયા ધોવા, વાહન સાફ કરવા કે ઉનાળામાં શેરીઓમાં પણ પાઇપ વડે પાણીનો બગાડ ઘણા આસામીઓ કરતા રહે છે. આવા આસામીઓને સ્થળ પર જ રૂ.250નો દંડ કરવામાં આવશે. જો બીજી વખત એક ને એક આસામી પાણીનો બગાડ કરતા માલુમ પડશે તો આવા આસામીનું નળ કનેક્શન કાપવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.