Site icon Revoi.in

ટ્રેનોમાં મુસાફરી દરમિયાન 40 કિલોથી વધુ સામાન હશે તો દંડ કરાશે, રેલવે મંત્રાલયે આપી માહિતી

Social Share

અમદાવાદઃ ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ 40 કિલો જ સામાન લઈ જઈ શકશે. વિમાનની જેમ હવે ટ્રેનોમાં પણ  પ્રવાસીઓ માટે લગેજનો નિયમ લાગુ પડશે. ઘણાબધા પ્રવાસીઓ નિયત કરતા વધુ લગેજ સાથે લઈ જતાં હોય છે. તેના લીઘે અન્ય પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોય છે. ટ્રેનોમાં આમને-સામને બન્ને સીટ પર કુલ 6 પ્રવાસીઓની બેઠક હોય છે. એટલે પ્રવાસીઓ સીટ નીચે સામાન મુકતા હોય છે, વધુ સામાન હોય કેટલાક પ્રવાસીઓ બન્ને સીટ વચ્ચે કે ચાલવની જગ્યા પર સામાન મુકતા હોય છે. આથી ઘણીવાર પ્રવાસીઓ વચ્ચે માથાકૂટ પણ થતી હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે હવે પ્રવાસીઓ 40 કિલો સુધી જ સામાન લઈ જઈ શકશે. જો પ્રવાસીઓ પાસે 40 કિલોથી વધુ સામાન હશે તો દંડ વસુલવામાં આવશે. તેવું રેલવેના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે દ્વારા હવે ટ્રેનોમાં મુસાફરી દરમિયાન વધારે સામાન લઈ જવાના કાયદાનો કડક અમલ કરાશે. અને તેની જાણકારી રેલવે મંત્રાલયે સત્તાવાર રીતે તેના ટ્વિટર હેન્ડલ પર આપી છે. આ ટ્વિટરમાં લોકોને મુસાફરી દરમિયાન વધારે સામાન નહીં લઈ જવાની અપિલ કરવામાં આવી આવી છે. જો કોઈ પ્રવાસી મર્યાદા કરતાં વધારે સામાન સાથે માલૂમ પડશે તો તેણે અલગથી બેગેજ રેટના છ ગણા નાણાં ભરવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રવાસી 40 કિલો કરતાં વધારે સામાન સાથે 500 કિલોમીટર સુધીનો પ્રવાસ કરતો હોય તો તે ફક્ત રૂ. 109 ભરીને લગેજ બુક કરી શકે છે પરંતુ જો આવા બુકિંગ વગરના સામાન સાથે પ્રવાસી પકડાશે તો તેણે રૂ. 654 ભરવા પડશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ટ્રેનોમાં આમ તો દરેક કોચ પ્રમાણે સામાનની મર્યાદા નક્કી જ છે. અલગ અલગ શ્રોણીમાં પ્રવાસી 40 કિલોથી લઈને 70 કિલો સુધીનું વજન સાથે લઈ જઈ શકે છે. જેમાં સ્લીપર કોચમાં 40 કિલો, એસી ટુ ટાયરમાં 50 કિલો અને એસી ફર્સ્ટમાં સૌથી વધારે 70 કિલો વજનની છૂટ છે. જો આ મર્યાદાથી વધારે વજન હોય તો પ્રવાસી પાસેથી રેલવે વધારાનું ભાડું વસૂલી શકે છે. રેલ પ્રવાસમાં સાથે પ્રતિબંધિત વસ્તુઓ રાખવી પણ અપરાધ છે. રેલવે પ્રવાસી પોતાની યાત્રામાં સાથે ગેસ સિલિન્ડર, કોઇપણ પ્રકારનું જ્વલનશીલ કેમિકલ, ફટાકડા, તેજાબ, દુર્ગંધ છોડતી વસ્તુઓ, ચામડું અથવા ભીની ખાલ, પેકેટમાં આવતા તેલ, ગ્રીસ, ઘી જેવી વસ્તુઓ તૂટવાથી અથવા તો ટપકવાથી પ્રવાસીઓને નુકસાન થઇ શકે છે. તેમ છતાં પણ જો પ્રવાસીઓ આવી પ્રતિબંધિત વસ્તુઓ લઇને પ્રવાસ કરે છે તો આવા સંજોગોમાં પ્રવાસી સામે રેલવે એક્ટની કલમ 164 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.