ઉનાળાની શરુઆત થઈ ગઈ છે અને આ સીઝનમાં જમવામાં ઠંડુ ઠંડુ દહીં ખાવા મળે તો મજા પડી જાય છે. પરંતુ મોટાભાગે એવું થાય છે કે ઉનાળામાં દહીં ખાટું થઈ જાય છે. જો દહીં ખાટું થઈ જાય તો તેને ખાવાની મજા આવતી નથી. ખાટા દહીંનો ઉપયોગ કોઈ વાનગીમાં કરી શકાતો નથી. આજે તમને આ સમસ્યાનું સરળ સમાધાન જણાવી દઈએ. આ ટીપ્સ ફોલો કરશો તો ઉનાળામાં દહીં ખાટું નહીં થાય.
દહીં સ્ટોર કરવા માટે તાપમાન ખૂબ જ જરૂરી હોય છે. દહીંને હંમેશા ઠંડી જગ્યાએ રાખવું. દહીંને તડકો આવતો હોય ત્યાં કે વધારે ગરમ જગ્યા હોય ત્યાં ઉનાળા દરમિયાન ન રાખો. જો બજારમાંથી દહીં લાવો તો પણ તેને ફ્રીજમાં તુરંત સ્ટોર કરો.
દહીં ઉપર મલાઈ જામવા દેવી નહીં. આ મલાઈ બેક્ટેરિયાના વિકાસને વધારે છે. તેનાથી દહીં ઝડપથી ખાટું થઈ જાય છે. તેથી દહીં પર જામેલી મલાઈ હટાવી દેવી.
દહીં બનાવતી વખતે અથવા પીરસતી વખતે હાથ સાફ હોય તે વાતનું ધ્યાન રાખવું. હાથમાં પણ બેક્ટેરિયા હોય છે જે દહીંને ઝડપથી ખરાબ કરી શકે છે.