ગાંધીનગરઃ પબ્લિક હેલ્થ માટે ઉત્તમ વ્યવસ્થા ગોઠવવાના હેતુથી ઈન્ડીયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગર ખાતે લિડરશીપ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં 50 સિનીયર કેડર અધિકારીઓને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી.
લિડરશીપ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરનાર અધિકારીઓને અભિનંદન પાઠવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એક ઉત્તમ લિડરશિપના કારણે કોઈપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થતિમાંથી પણ સરળતાથી બહાર આવી શકાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વના કારણે ભારતે કોવિડ જેવી વૈશ્વિક મહામારીમાં 100 ટકા રસીકરણ કરીને વિશ્વમાં ડંકો વગાડ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, સશક્ત સમાજ અને વિકસીત રાષ્ટ્ર નિર્માણ માટે સ્વાસ્થ્ય અને શિક્ષણ બે મહત્વના પરિબળો છે. જેમાં આગળ આવવા માટે સક્ષમ લિડરશિપ મહત્વનો ભાગ ભજવે છે. આ પ્રકારના લિડરશિપ કાર્યક્રમના કારણે દેશમાં ઉત્તમ લીડર તૈયાર થશે જે ભારતને વિશ્વમાં આગળ લઈ જવામાં મદદ કરશે. આઈ.આઈ.પી.એચના ડિરેક્ટર દિપક સક્ષેનાએ જણાવ્યું હતું કે, આ લિડરશીપ પ્રોગ્રામમાં અધિકારીઓ દ્વારા વાસ્તવિક પડકારોનો સામનો કરવા માટે નેતૃત્વના સૈદ્ધાંતિક અને વ્યવહારુ પાસાઓને એકીકૃત કરી જાહેર આરોગ્ય અને આરોગ્ય સંભાળ પર કામ કરવામાં આવે છે. જેના થકી એક સક્ષમ લિડર તૈયાર થશે.
આઈ.આઈ.પી.એચના પૂર્વ નિયામક દિલીપ માવળંકરએ જણાવ્યું હતું કે, લેડરશિપ મજબૂત હશે તો સિસ્ટમ મજબૂત થશે. આજનું આરોગ્ય વિભાગ રોજના 41 હજાર નાગરિકોને નાની મોટી બીમારીઓથી બચાવે છે. કોવિડ સમયમાં પોતાના જીવના જોખમે હેલ્થ વર્કર્સે ઉત્તમ લિડરશિપ નિભાવીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લિડર્સનો તેમના કર્મચારીઓ સાથેનો સંબંધ પણ એટલો જ મહત્વનો છે જેમાં કર્મચારીઓ પણ લિડરશિપની ગુણવત્તાઓ શીખીને અપનાવવી જોઈએ.
આ પ્રસંગે SHSRCGના એડિશનલ ડિરેક્ટર ડૉ. એ.એમ કાદરી, NHSRCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. અતુલ કોટવાલ, PHFIના નિયામક ડોક્ટર સંજય ઝોપે, લિડરશિપ પ્રોગ્રામના પ્રોફેસર્સ અને સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.