Site icon Revoi.in

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. બોર્ડે ધો.10,12ની પરીક્ષા લીધી નથી એટલે ફી પાછી આપોઃ વાલી મંડળ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે ગત વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા લઈ શકાઈ નહતી. પણ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. અને પરિણામ બાદ જે વિદ્યાર્થીઓને પરિણામમાં અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં પણ આવી હતી. હવે વાલી મંડળે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી વ્યાજ સહિત પરત કરવાની માગણી કરી હતી. પરંતુ બોર્ડે નિર્ણય લીધો છે કે પરીક્ષાની તમામ પ્રક્રિયા પૂરી થઈ હતી અને બોર્ડમાં થતા ખર્ચનો મુખ્ય સ્ત્રોત પરીક્ષા ફી હોવાથી વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરાશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે ધો.10 અને 12નો પરીક્ષા કાર્યક્રમ જાહેર થયાના બીજા જ દિવસે બોર્ડની પરીક્ષા મોકૂફ રાખીને નક્કી કરેલી ફોર્મ્યુલા પર પરિણામ તૈયાર કરાયા હતા. જેથી વિદ્યાર્થીઓએ ભરેલી પરીક્ષા ફી પરત કરવા માગ કરાઇ હતી. પરંતુ બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત ન કરવાનો નિર્ણય લેવોયો છે. કારણ કે બોર્ડના અધિકારીઓનો પગાર, ફેસેલિટી અને તમામ પ્રક્રિયાની આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત પરીક્ષા ફી છે. તેથી તે પરત કરી શકાય નહીં. આ ઉપરાંત પરીક્ષાની તમામ તૈયારી માટે જવાબ પેપરની ખરીદીથી લઇને પ્રશ્નપત્રની તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી. ધો.10માં 8.57 લાખ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી દીઠ રૂ.355 પરીક્ષા ફી લેવાઈ હતી તે રીતે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.07 લાખ વિદ્યાર્થી પાસેથી 605 લેખે જ્યારે સામાન્ય પ્રવાહના 4 લાખ વિદ્યાર્થી પાસેથી 490 પરીક્ષા ફી લેવાઈ હતી.

વાલી મંડળના અગ્રણીએ જણાવ્યું હતું કે,હજુ સુધી સ્કૂલોની ફી નક્કી થઈ નથી. જેથી વાલીઓએ સ્કૂલોની ફી પણ વધારે ભરવી પડે છે. માસ પ્રમોશનને કારણે બોર્ડે પરીક્ષા ફી વ્યાજ સહિત પાછી આપવી જોઈએ.