ભારતમાં જો ફરવા માટેની વાત કરવામાં આવે તો હજારો સ્થળો એવા છે કે જેની સુંદરતા અને પ્રકૃતિને જોઈને ભલભલા વ્યક્તિની આંખો ચાર થઈ જાય. ભારતમાં કેટલાક સ્થળો એવા છે કે જ્યાં ઠંડી છે અને કેટલાક સ્થળે એવા છે જ્યાં ગરમી છે, કેટલાક સ્થળો એવા છે કે જ્યાં કુદરતી નજારો સરસ છે તો કેટલાક સ્થળ એવા છે કે જ્યાંની સંસ્કૃતિ લોકોને વિદેશથી ખેંચી લાવે છે.
આવામાં જો વાત કરવામાં આવે ટોય ટ્રેનની તો ભારતના કેટલાક સ્થળો આજે પણ એવા છે કે જ્યાં ફરવું હોય તો ટોય ટ્રેનમાં જ ફરવું પડે અને આ કારણોસર મોટી સંખ્યામાં લોકો આ સ્થળો પર ફરવા જતા હોય છે. શિમલામાં ટોય ટ્રેનની સવારી ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ અન્ય ઘણી જગ્યાઓ છે જ્યાં આ આકર્ષક ટ્રેનની સવારી બનાવવામાં આવે છે. સુંદર મેદાનો અને હરિયાળીમાંથી પસાર થતી ટોય ટ્રેનનો અનુભવ કોઈ ભૂલી શકે તેમ નથી.
દાર્જિલિંગ રુટમાં તમને ઝિગ ઝેગ પર્વતો પર સવારી કરવાનો મોકો મળી શકે છે. દાર્જિલિંગના સુંદર નજારાઓને કારણે તેને ભારતમાં સ્વર્ગ પણ માનવામાં આવે છે. શિયાળા દરમિયાન, તમે આ માર્ગ પર પસાર થતી ટોય ટ્રેનમાંથી બરફથી ઢંકાયેલા પર્વતો જોઈ શકો છો. પરિવાર સાથે આ ટ્રેનમાં સવારી કરવાની એક અલગ જ મજા છે.
ટોય ટ્રેનમાં સવારી કરવાની વાત કરીએ તો સૌથી પહેલા અમે તમને કાલકા-શિમલા રૂટ વિશે જણાવીએ. લીલાછમ પહાડો અને સુંદર મેદાનો વચ્ચેથી પસાર થતી આ ટ્રેનમાં સવારી કરવાની એક અલગ જ મજા છે. આ રૂટનું અંતર લગભગ 96 કિલોમીટર છે, જેને કાપવામાં 6 થી 7 કલાકનો સમય લાગે છે. આ માર્ગ કાલકા-શિમલા તરીકે ઓળખાય છે. આ ટ્રેન લગભગ 103 ટનલમાંથી પસાર થાય છે, જેમાં 850થી વધુ પુલ આવે છે.