વર્ષોથી સૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે. મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી સ્કિન કેરમાં કરવામાં આવે છે. મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને જો ચેહરા પર લગાડવામાં આવે તો તે ચહેરા પર જાદુઈ અસર કરી શકે છે. ગુલાબ જળ અને મુલતાની માટીનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 વખત કરી શકાય છે. તેનાથી સ્કિનને અનેક ફાયદા થાય છે. આજે તમને જણાવીએ મુલતાની માટી અને ગુલાબ જળને ચહેરા પર લગાડવાથી કેવા ફાયદા થાય ?
1. મુલતાની માટી અને ગુલાબજળનો ફેસપેક ચહેરા પર લગાડવાથી વધારાનું ઓઇલ કન્ટ્રોલ થાય છે. જે લોકોની સ્કિન ઓઇલી હોય તેમણે આ ફેસપેકનો ઉપયોગ કરવો જ જોઈએ તેનાથી ચહેરો એકદમ સુંદર દેખાય છે.
2. મુલતાની માટી ચહેરાની ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. આ ફેસ પેક લગાડવાથી ચહેરો સાફ અને ચમકદાર દેખાય છે.
3. મુલતાની માટીમાં બ્લીચિંગ ગુણ પણ હોય છે. તે ચહેરા પરના ડાઘ અને ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે નિયમિત તેનો ઉપયોગ કરવાથી ડાઘ લાઈટ થવા લાગે છે.
4. મુલતાની માટે અને ગુલાબજળ ત્વચામાં કસાવ લાવે છે. એટલે કે વધતી ઉંમરની સાથે જો ત્વચા ઢીલી પડી ગઈ હોય તો તે કરચલીઓને ઘટાડે છે અને સ્કીનને ટાઈટ બનાવે છે.
મુલતાની માટી સરળતાથી મળી જાય છે. તેનો ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી મુલતાની માટી લેવી અને ચાર ચમચી ગુલાબજળ મિક્સ કરવું. આ સામગ્રીને સારી રીતે મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડો અને 15 થી 20 મિનિટ માટે સુકાવા દો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો.
જો સ્કિન પર બળતરા થાય તો માટીનો ઉપયોગ ન કરવો. જે લોકોની સ્કિન વધારે ડ્રાય હોય તેમણે ગુલાબજળ સાથે મુલતાની માટીમાં દહીં અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાડવું. સાથે તેને 15 થી 20 મિનિટને બદલે 5 થી 10 મિનિટમાં જ દૂર કરી દેવી.