અમદાવાદઃ રેલવેમાં તત્કાલ મુસાફરી માટે કેટલાક લોકો એજન્ટ્સ નો સંપર્ક કરીને પોતાના ગંતવ્ય સ્થાનની ટિકિટ મેળવી લેતા હોય છે. ઘણા એજન્ટો મુસાફરોની ગરજનો લાભ લઈને સિનિયર સિટિઝનના ક્વોટામાંથી ટિકિટ પકડાવી દેતા હોય છે. જ્યારે ટેકિંગ આવે ત્યારે મુસાફરોએ જ મોટો દંડ ભરવો પડતો હોય છે. હવે રેલવે દ્વારા બ્લેકમાં ટિકિટો વેચતા દલાલો સામે લાલ આંખ કરીને મુસાફરો પાસેથી ડંદ વસુલાતની ઝુંબેશ શરૂ કરી છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વાણિજ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરનારા દલાલોની છેતરપિંડીનો પર્દાફાશ કરાયો હતો અને ટિકિટ ન હોવા બદલ મુસાફરો પાસેથી ટિકિટ ચેકીંગ કર્મચારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઉત્તર પ્રદેશ અને બિહારથી અમદાવાદ આવતી ટ્રેનો માં અમદાવાદ અને આજુબાજુના દલાલો દ્વારા તત્કાલ ક્વોટા અને સિનિયર સિટીઝન ક્વોટામાં રેલવે રિઝર્વેશન કાર્યાલયમાંથી ટિકિટ નીકાળીને ગેરકાયદેસર રીતે ઇ-ટિકિટમાં પરિવર્તિત કરીને વોટ્સએપના માધ્યમથી મુસાફરોને દૂરસ્થ સ્ટેશનો પર મોકલવામાં આવતા હતા. મુસાફરી દરમિયાન મુસાફરો પાસેથી અસલ ટિકિટ ન હોવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો. અમદાવાદ મંડળ દ્વારા કુલ રૂપિયા 604330નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ગોરખધંધાર્નો પર્દાફાશ અમદાવાદ મંડળના વાણિજ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બ્લેક માર્કેટિંગ અંગેની માહિતી રેલ્વેના મુખ્યાલયને આપવામાં આવી હતી, પરિણામે સંબંધિત રેલવે દ્વારા અભિયાન હાથ ધરાયું હતું અને અનિયમિત મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા દલાલો પાછલા વર્ષની જેમ ફરી સક્રિય થયા છે. આ વખતે અમદાવાદના દલાલોએ કોલકાતાના દલાલો સાથે મળીને તત્કાલ અને સિનિયર સિટીઝન ક્વોટાની ટિકિટો કોલકાતા અને નજીકના સ્થાનોથી ટિકિટ નીકાળવામાં આવી રહી છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ અને સાયક વાણિજ્ય પ્રબંધક અતુલ ત્રિપાઠીના નેતૃત્વ હેઠળ ટિકિટ ચેકિંગ કર્મચારીઓની ટીમ સઘન અભિયાન ચલાવી રહી છે.