અમદાવાદમાં રોડ ફેસિંગ કોમર્શિયલ પ્રોપર્ટીના ગેરકાયદે બાંધકામોને ઈમ્પેક્ટ ફીનો લાભ નહીં મળે
અમદાવાદઃ શહેરમાં રેસિડેન્શિલ વિસ્તારોમાં બનેલી ગેરકાયદે કોમર્શિયલ પ્રોપર્ટી સામે એએમસીએ કડક વલણ અપનાવવા નિર્ણય લીધો છે. શહેરમાં રોડ ફેસિંગ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં જે દુકાનો અથવા શોરૂમ્સ ગેરકાયદે બન્યા હશે તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝ કરવામાં આવશે નહીં, ઈમ્પેક્ટ ફી કાયદા મુજબ પ્રોપર્ટી માલિકે આવી પ્રોપર્ટીમાં કોમર્શિયલ યુઝ માટે ઓછામાં ઓછી 50 ટકા પાર્કિટ સ્પેસ આપવી પડશે. જોકે, જગ્યાની અછતના કારણે આવી પ્રોપર્ટી પાર્કિંગની જરૂરિયાત પૂરી કરી શકતી નથી. એટલે કે રહેણાંક વિસ્તારોની કોમર્શિયલ બિલ્ડિંગોમાં જે રોડ સાઈડ પર દુકાનો કે ઓફિસો આવેલી છે. અને જેમાં ગેરકાયદે બાંધકામો કરાયેલા છે. તેમને ઈમ્પેક્ટ ફીનો લાભ મળશે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન (AMC) અને ઔડાએ તે બાબતની પુષ્ટિ કરી છે કે, રોડ ફેસિંગ બંગલો, ટેનામેન્ટ, રો હાઉસ કે ડુપ્લેક્સમાં જે ગેરકાયદે દુકાનો બની હશે તેને રેગ્યુલરાઈઝ કરવામાં નહીં આવે કારણ કે તે ‘ચેન્જ ઓફ યુઝ’ ગણાશે. ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ 2022 તરીકે ઓળખાતો ઈમ્પેક્ટ ફીનો કાયદો ઓક્ટોબર 2022થી અમલમાં આવ્યો છે. તેમાં પ્રોપર્ટી માલિકોને તેમના ગેરકાયદે બાંધકામને મુક્તિ અપાવવા માટે ચાર મહિનાનો સમય અપાયો હતો. ત્યાર પછી 16 ફેબ્રુઆરી 2022ના રોજ ઈમ્પેક્ટ ફીની સમયમર્યાદા વધારવામાં આવી હતી. એએમસીને આ દરમિયાન રેગ્યુલરાઈઝેશન માટે 36,349 અરજીઓ મળી હતી જેમાંથી માત્ર 700 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. પ્રોપર્ટી રેગ્યુલરાઈઝેશન માટેની છેલ્લી તારીખ 16 જૂન છે અને તેમાં એપ્રૂવલ રેટ ઘણો નીચો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઔડાના એરિયામાં પ્રોપર્ટી રેગ્યુલરાઈઝેશન ઈચ્છતા લોકો માટે પરિસ્થિતિ તેના કરતા પણ વધુ ખરાબ છે. ઔડાના અધિકારીઓએ જણાવ્યું કે તેમને ઈમ્પેક્ટ ફીની 1236 અરજીઓ મળી છે જેમાંથી 110 અરજીઓ રિજેક્ટ થઈ છે અને માત્ર છ અરજી મંજૂર કરાઈ છે. એક અધિકારીના કહેવા મુજબ પ્રોપર્ટી માલિકો પૂરતા પ્રમાણમાં પાર્કિંગ સ્પેસ આપી શકતા નથી જેના કારણે તેમની અરજીઓ રદ થાય છે. AMCએ કેટલાક માલિકોને નજીકની જગ્યામાં પાર્કિંગ ફેસિલિટી આપવા મંજૂરી આપી છે. પરંતુ દરેક પ્રકારની પ્રોપર્ટી માટે આ શક્ય નથી, કોઈ પ્રોપર્ટીના માલિકે રેગ્યુલરાઈઝેશન કરાવવું હોય તો પ્રોપર્ટીથી 500 મીટરની અંદર 50 ટકા પાર્કિંગ સ્પેસ આપવી જરૂરી છે. બાકીની 50 ટકા પાર્કિંગની જરૂરિયાત સામે ઓનર્સ ઈમ્પેક્ટ ફી ભરી શકે છે. જોકે, આવા કેસમાં અપીલ કરવાની કોઈ જોગવાઈ નથી.