ડીસામાં તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા,
ડીસાઃ શહેરમાં તાલુકા પંચાયતના પરિસરમાં અનેક ગેરકાયદે દબાણો હોવાની ફરિયાદો ઊઠી હતી. આખરે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન દ્વારા દબાણો દૂર કરાયા હતા. ગેરકાયદેસર દબાણોની સાથે સરકારે સખી મંડળને આપેલી જગ્યા પરના દબાણો પણ તોડી પાડ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીની કડક કાર્યવાહીથી અન્ય દબાણદારો ફફડાટ ફેલાયો હતો.
સૂત્રોના જણાવ્યા મજબ ડીસા તાલુકા પંચાયતની કચેરી આગળ ચાર સખી મંડળ અને અન્ય સંસ્થાઓએ દબાણો કરી દેતા તેને હટાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના આધારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેરે સ્થળ મુલાકાત લીધી હતી અને મુલાકાત બાદ કાયદેસરના સખી મંડળની ફાળવેલી જગ્યાથી વધારાની જગ્યાના દબાણો દૂર કરવા આદેશ કરાયો હતો. જેને પગલે તાલુકા વિકાસ અધિકારી આર.એન.રાજપૂતે અઠવાડિયા અગાઉ દબાણો દૂર કરવા નોટિસ આપી હતી. નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતા જેસીબી મશીન દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં તમામ ચાર સખી મંડળ અને અન્ય રહેલા કાચા પાકા દબાણો દૂર કરાયા હતા. જોકે નિયામકે સખી મંડળને ફાળવેલા દબાણો પણ દૂર કરી દેવાતા સખી મંડળ ચલાવતી મહિલાઓને નિરાધાર બની હતી. મહિલા તાલુકા વિકાસ અધિકારીની કડકાઈથી અન્ય દબાણદારોમાં ફફડાટ ફેલાયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડીસા શહેરમાં પણ અનેક દબાણો ખડકાયેલા છે. ત્યારે શહેરમાંથી દબાણો દુર કરવાની માગ ઊઠી છે. મુખ્ય બજારમાં તો દબાણો કારણે તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે.