- ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ
- ગેરકાયદે પણ જઈ રહ્યા છે અમેરિકા
- સાત લોકોને કરવામાં આવશે ડિપોર્ટ
અમદાવાદ: ભારતમાં ગુજરાતીઓ અને પંજાબી આ બે એવા લોકો છે કે જેમને વિદેશમાં સ્થાયી થવાનો અને રહેવાનો અનેરો શોખ હોય છે. ગુજરાતમાંથી તો અમેરિકા જવા માટે લોકો ઘેલા થાય છે તેવું કહીએ તો પણ ચાલે, અમેરિકા જવા માટે તો કેટલાક લોકો ખોટા રસ્તા પણ અપનાવી લે છે અને ગેરકાયદે અમેરિકા જતા હોય છે.
આવામાં સાત ગુજરાતીઓ ગેરકાયદે રીતે રહેતા પકડાયા છે. કેનેડાની સરહદેથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા 7 ગુજરાતીઓને ભારત પરત મોકલવામાં આવશે. આ સાતે ગત સપ્તાહે અમેરિકામાં પ્રવેશ્યા હતા જ્યાં બોર્ડર ક્રોસ કર્યા પછી તુરંત તેઓ બોર્ડર પોલીસના હાથે ઝડપાયા હતા.
બોર્ડર પેટ્રોલ પોલીસે તમામને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટને સુપરત કર્યા હતા. ઠંડીના કારણે જીવ ગુમાવનાર ડિંગુચાના હતભાગી પરિવારની સાથે જ તેઓ પ્રવાસ કરી રહ્યા હતા. બાદમાં આ પરિવાર તેમનાથી વિખુટો પડ્યો હતો. સાતેય ગુજરાતીઓ માઇનસ 35 ડિગ્રી ઠંડીમાં 11 કલાક ચાલીને અમેરિકામાં પ્રવેશ્યા હતા.
હ્યુમન સ્મગલર સ્ટીવ શેન્ડની મદદથી તેઓ અમેરિકામાં આવ્યા હતા. અમેરિકામાં આવ્યા બાદ કોઈ તેમને આગળ લઈ જશે એવી તેમને અપેક્ષા હતી પણ કોઈ આવ્યું નહોતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાતે લોકો ગુજરાતી બોલતા હતા તથા તેઓ ભાંગ્યુતુટ્યું અંગ્રેજી બોલી શકતા હતા.