Site icon Revoi.in

ડીસાના આખોલ અને માલગઢ ગામે ગેરકાયદે ખનન, અડધો ડઝન ડમ્પરો, મશીનરી જપ્ત કરાઈ

Social Share

ડીસાઃ બનાસકાંઠામાં ખનીજચોરીનું સૌથી વધુ દુષણ જોવા મળી રહ્યું છે. બનાસ નદીમાં તો ઠેર ઠેર રેતી ભરતા ડમ્પરો જોવા મળતા હોય છે.જિલ્લા પોલીસ તંત્ર ઉપરાંત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ અવાર-નવાર દરોડા પાડીને ખનીજચોરોને ઝડપી લેતા હોય છે. પણ ફરીવાર ખનીજ ચોરી થવા લાગતી હોય છે. ત્યારે ડીસા તાલુકામાં ખાણ ખનીજ વિભાગે અલગ-અલગ બે જગ્યાએ ટીમો બનાવી રેડ કરી હતી. જેમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા 6 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કુલ રૂ. 1.90 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ સક્રિય થયા છે. જે અંગેની ફરિયાદો મળતાં જ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર જય પટેલ, સર્વેયર દિગ્વિજયસિંહ અને માઇન સુપરવાઈઝર જે.ડી.પટેલ સહિતના અધિકારીઓની બે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં ડીસા તાલુકાના નાની આખોલ અને માલગઢ ગામે પહોંચી ઓચિંતા દરોડા પાડ્યા હતા.જેમાં સાદી માટીની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા છ ડમ્પર અને એક હિટાચી મશીન મળી આવ્યા હતા. રોયલ્ટી ભર્યા વગર સરકારી તિજોરીને નુકસાન કરી રેતીની હેરાફેરી કરતા છ ડમ્પર અને એક હીટાચી મશીન સહિત કુલ 1.90 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખાણ ખનીજ વિભાગે આ તમામ વાહનો જપ્ત કરી ડીસા તાલુકા પોલીસને સોંપ્યા હતા. જ્યારે ડમ્પર અને હિટાચી મશીનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાંથી ખનીજ વિભાગની ટીમોએ દરોડા પાડી મોટી માત્રામાં ખનીજ કૌભાંડ ઝડપી પાડતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.