Site icon Revoi.in

વડોદરાના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં રોડ પરના દબાણો હટાવાયાં

Social Share

વડોદરાઃ  શહેરના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં લારી-ગલ્લા અને દુકાનદારોના લટકણીયા તથા પથારાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અને દબાણો હટાવવાની અનેક ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મુખ્ય માર્ગ ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી ચાર ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો. સંવેદનશીલ વિસ્તારના પગલે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો..

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં બારેમાસ ટ્રાફિકનું ભારણ રહે છે. વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અવાર-નવાર દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. પરંતુ  ત્યાર બાદ પરિસ્થિતિ યથાવત જોવા મળતી હોય છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મંગળ બજાર અને ચાર દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવાની માગ ઊઠી હતી. સ્થાનિક કોર્પોરેટર અને રહીશોની માંગ હતી કે, ચાર દરવાજા વિસ્તારમાં દબાણનું પ્રમાણ ખૂબ વધુ છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે વાહનચાલકો પણ પરેશાન થતા હતા. જેને ધ્યાનમાં રાખી વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા  માંડવીથી પાણીગેટ અને માંડવીથી ચોખંડી સુધીના માર્ગ ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અચાનક દબાણ શાખાની ટીમ ત્રાટકતા સામાન બચાવવા વેપારીઓમાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી નંદાબેન જોશી , એસીપી જી.ડી પાલસણા, સીટી પીઆઇ કે.એમ. છાસિયા , વાડી પીઆઈ કે.એમ. લાઠીયા , સ્થાનિક કોર્પોરેટર હરેશ જીનગર , જેલમબેન ચોકસી, પૂર્વ કોર્પોરેટર મીનેશ શાહ સહિતના અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મુખ્ય માર્ગ ઉપર લારી-ગલ્લા, લટકણીયા, પગરિક્ષા સહિતનો ચાર ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને દબાણકર્તાઓને નોટિસ પાઠવી દંડનીય વસૂલાત પણ કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારમાં દબાણની કામગીરી હાથ ધરાતા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.દબાણની કામગીરી દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ અને પોલીસ સાથે કેટલાક સ્થળોએ વેપારીઓ સાથે ચકમકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.