ગાંધીનગરઃ રાજ્યભરમાં ખનનની પવૃતિમાં બેરોકટોક વધારો થઈ રહ્યો છે. નદીઓમાંથી રેતી ઉલેછીને લઈ જતા રેતી માફિયા સામે પગલાં લેવા તંત્રને આદેશ મળ્યા બાદ હવે રોડ-રસ્તાઓ નીકળતા ડમ્પર ઊબા રાખીને તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં રેત ખનનની ચાલતી આયોજન પૂર્વકની ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લગાવવા ભૂસ્તર તંત્ર દ્વારા અવારનવાર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા ભાટ અને જાસપુર રોડ પર ચેકિંગ હાથ ધરી રેતીના જથ્થા સાથે રૂ. 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રેત ચોરીની પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી છે. ભૂ માફિયાઓ દ્વારા સાબરમતી નદીમાંથી બેફામ રીતે રેત ખનન કરી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ભૂસ્તર તંત્ર દ્વારા પણ જિલ્લામાં ચાલતી રેત ખનન તેમજ તેના વહનની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ભૂસ્તર તંત્રની ક્ષેત્રીય ટીમ દ્વારા ભાટ ઇન્દિરા બ્રિજ પાસે મોડી રાત્રે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન એક ડમ્પરને અટકાવી તેની તલાશી લેવામાં આવતા 19.590 મેટ્રિક ટન સાદી રેતીનો જથ્થો મળી આવ્યો હતો. તે સિવાય જાસપુર રોડ પરથી વાહનને પણ રોકી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી પણ વજન કરતાં 8. 35 મેટ્રિક ટન સાદી રેતીનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે ઉક્ત બન્ને વાહન માલીકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી રેતીનો જથ્થો મળી કુલ રૂ. 45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લેવાયો હતો.
આ અંગે ભૂસ્તર શાસ્ત્રી વિપુલ સોલંકીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત સ્થળોથી કુલ રૂ. 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તેમજ સહજાનંદ કોમ્પ્લેક્ષની સામે નમસ્તે સર્કલની બાજુમાં ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનિજનો સંગ્રહ કરી વહન કરાતું હોવાની બાતમી મળતાં ટ્રેડર્સની દુકાનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં ટીમને એક જેસીબી મશીન પણ પણ મળી આવ્યું હતું. આ દુકાન દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જેસીબી જપ્ત જતી લઈ રેતીનો જથ્થો પણ સીઝ કરી લઈ બબાજી વણઝારા નામના ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત ઝડપી લેવાયેલા વાહનોને કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને કુલ. 75 લાખનો મુદામાલ જપ્ત કરાયો છે.