ભારતનો વિકાસ દર ચીન અને અમેરિકા કરતા વધારે રહેવાની આઈએમએફની ધારણા
નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારત સરકારનું આગામી સામાન્ય બજેટ રજૂ કરશે. તમામની નજર બજેટમાં થનારી જાહેરાત પર ટકેલી છે. બજેટ અને આર્થિક સર્વે પહેલા IMFએ સારા સંકેત આપ્યા છે. IMFનું અનુમાન છે કે, 2023 અને 2024માં તે ચીન અને US કરતાં વધી શકે છે.
IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે રિપોર્ટને ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો જોવા મળી શકે છે. ભારત માટે સારી વાત એ છે કે, વર્તમાન વર્ષમાં દેશનો વિકાસ દર ચીન અને અમેરિકા કરતાં વધુ રહેવાની ધારણા છે. જો કે ગયા વર્ષની સરખામણીએ વિકાસ દરમાં ઘટાડો જોવા મળી શકે છે.
IMFએ તેના અનુમાનમાં વ્યક્ત કર્યું હતું કે, “ભારતનો વિકાસ દર 2022માં 6.8 ટકાથી ઘટીને 2023માં 6.1 ટકા થઈ શકે છે. જો કે, 2024માં ફરી એકવાર તે વધીને 6.8 ટકા થવાની ધારણા છે. તે જ સમયે, IMFના મુખ્ય અર્થશાસ્ત્રી અને સંશોધન નિર્દેશકે કહ્યું હતું કે, “અમે ચાલુ નાણાકીય વર્ષ માટે ઓક્ટોબરનો અંદાજ જાળવી રાખ્યો છે, પરંતુ માર્ચ પછી વિકાસ દરમાં ઘટાડો થઈ શકે છે. નાણાકીય વર્ષ 2023માં ભારતની અર્થવ્યવસ્થાની ગતિ 6.1 ટકા રહી શકે છે. વિકાસ દરમાં ઘટાડાનું કારણ વૈશ્વિક અસ્થિરતા છે.