નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) મદદ કરશે. IMFએ ટેક્સ કલેક્શન વધારવાની શરતે પાકિસ્તાનને ત્રણ વર્ષ માટે સાત બિલિયન ડૉલરની લોન મંજૂર કરી છે. IMFના એક્ઝિક્યુટિવ બોર્ડ અનુસાર, દેશમાં આર્થિક સ્થિરતા બનાવવા માટે સ્ટેન્ડ બોય એરેન્જમેન્ટ 2023 હેઠળ IMF અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે સમજૂતી થઈ હતી.
IMF મિશન ચીફ નાથન પોર્ટરની આગેવાનીમાં IMFની ટીમે 13 થી 23 મે દરમિયાન ઈસ્લામાબાદમાં પાકિસ્તાની અધિકારીઓ સાથે સમજૂતી અંગે ચર્ચા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રોકડની તંગીવાળા દેશના મેક્રો ઇકોનોમિક સ્થિરતા અને સમાવેશી અને સ્થિતિસ્થાપક વિકાસને મજબૂત કરવાનો છે. આમાં દેશની રાજકોષીય અને નાણાકીય નીતિમાં સુધારો, કર પ્રણાલીને મજબૂત બનાવવી, દેશના સાહસોના સંચાલનમાં સુધારો કરવો, સ્પર્ધાને પ્રોત્સાહન આપવું, મૂડી વૃદ્ધિની સાથે રોકાણ પ્રોત્સાહન અને સામાજિક સુરક્ષાનો સમાવેશ થાય છે, જેમાં બેનઝીર ઈન્કમ સપોર્ટ પ્રોગ્રામનો સમાવેશ થાય છે.
આ વખતે IMFએ લોનને લઈને ઘણી શરતો લગાવી છે. કરાર હેઠળ, પાકિસ્તાન નાણાકીય વર્ષ 2025માં ટેક્સની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે મહેસૂલ વસૂલાતને પણ વાજબી અને સરળ બનાવશે. આ સિવાય પાકિસ્તાને તેના ખર્ચમાં સંતુલન રાખવું પડશે. ટેક્સ કલેક્શન વધારવા માટે તે સર્વિસ સેલ્સ ટેક્સ અને એગ્રીકલ્ચર ઇન્કમ ટેક્સ જેવા પગલાં લેશે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે, આ કાર્યક્રમ હેઠળ મોંઘવારી ઘટાડવા, ખાનગી ક્ષેત્રનો વિકાસ કરવા અને આર્થિક સમસ્યાઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે. ગયા વર્ષે પાકિસ્તાન પોતાની વિદેશી લોન ચૂકવવામાં સક્ષમ ન હતું.
2024 ની શરૂઆતમાં, IMFએ પાકિસ્તાનને ત્રણ અબજ ડોલરની સહાય હેઠળ 1.1 બિલિયન ડોલરનો અંતિમ હપ્તો જાહેર કર્યો હતો. પાકિસ્તાનના નાણામંત્રી ઔરંગઝેબે કહ્યું કે સરકારે હવે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે નવી લોન લેવાની યોજના બનાવી છે.