Site icon Revoi.in

રાજ્યમાં ધો.1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા ત્વરિત નિર્ણય લેવાશેઃ શિક્ષણમંત્રી

Social Share

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં નોંધપાક્ષ ઘટાડો થઈ રહ્યો છે. ઘણાબધા જિલ્લાઓમાં તો મહિનોઓથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બીજીબાજુ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. સરકારે ધો. 6થી લઈને ધો.12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપતા શાળા-કોલેજો શરૂ થઈ ગઈ છે. હવે ધો. 1થી5ના વર્ગોને શરૂ કરવાની મંજુરી આપવાની માગ ઊઠી છે. કારણ કે ઓનલાઈનથી બાળકો ભણી શક્તા નથી. દિવાળી વેકેશન ખૂલતા જ  ધો. 1થી5ની શાળાઓ શરૂ કરવાની માગ ઊઠી છે. ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ પણ ધો.1થી5ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્યને ટુકમાં મંજુરી અપાશે તેવા સંકેતો આપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ   શાળાઓમાં 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયા બાદ પ્રથમ સત્રમાં મોટાભાગે ઓનલાઈન શિક્ષણ  જ ચાલ્યું હતું. કોરોનાના કેસો ઓછા થતાં સરકાર દ્વારા સૌપ્રથમ ધો. 9 થી 12 અને ત્યારબાદ ધો. 6 થી 8ના વર્ગો શરૂ કરાયા હતા. જોકે, હજુ પણ શાળાઓમાં ધો.1થી 5ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી. જે અંગે હવે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ  હતું કે, ટૂંક સમયમાં ઓફલાઇન અભ્યાસ  શરૂ કરાશે.

શિત્રણમંત્રીએ વધુમાં  જણાવ્યું હતું  ખૂબ ઝડપથી સારા સમાચાર મળશે. બાળકો સંસ્થાનો પ્રાણ છે, સંસ્થાની જીવંતતા બાળકોના આવવાથી થતી હોય છે ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ઓફલાઇન શિક્ષણ શરૂ કરીશું. શાળાએ આવવા માટે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઉતાવળા થયા છે. મુખ્યમંત્રી સાથે બેસીને તેમના માર્ગદર્શનમાં, યોગ્ય સમયે , રાજ્યના હિતમાં નિર્ણયની જાહેરાત કરીશું પરંતુ તમને બહું રાહ નહીં જોવડાવીએ.
સંભવતઃ પહેલી ડિસેમ્બરથી આ વર્ગો શરૂ થઈ જશે. જોકે, ધોરણ 1 થી 5ના વર્ગોનો સાપ્તાહિક સમય ઘટાડી નાખવામાં આવશે અને સપ્તાહનું શૈક્ષણિક સત્ર પણ છની જગ્યાએ ચાર દિવસનું કરવામાં આવે એવી સંભાવના છે. ધોરણ 1થી 5ના શૈક્ષણિક સત્રના સમયમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.