દિલ્હીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાતા પાંચ કરોડ યુઝર્સને અસર
દિલ્હીઃ કૃષિબિલનો વિરોધ કરતા ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન હિંસા થતા ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન ગૃહ મંત્રાલયે એનસીટીના સિંધુ, ગાઝીપુર, ટિકરી, મુકરબા ચોક, નાંગલોઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. જેથી દિલ્હી એનસીઆરમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરવાથી લગભગ 5 કરોડ યુઝર્સ પ્રભાવિત થયા છે.
ટેલીકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાના આંકડા અનુસાર ઓક્ટોબર સુધી દિલ્હીમાં લગભગ 52.72 મિલિયન મોબાઈલ યુઝર્સ છે. આ સિવાય દિલ્હીમાં એક મોટી સંખ્યા વાયર લાઈન બ્રૉડબેન્ડ યુઝર્સની પણ છે. દુરસંચાર કંપનીઓએ પણ શહેરના મોટાભાગના ભાગોમાં પોતાના ગ્રાહકોને માહિતગાર કર્યા છે કે તેમના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓને આગામી સૂચના સુધી રોકી દેવાઈ છે. ગૃહ મંત્રાલયનો આદેશ 26 જાન્યુઆરીની રાતે 23:59 વાગ્યા સુધી પ્રભાવી હતો પરંતુ હજુ પણ સ્થિતિ અનિશ્ચિત બનેલી છે, એવી આશંકા વર્તાવવામાં આવી રહી છે કે રાજધાનીમાં ઈન્ટરનેટ સેવાઓના પ્રતિબંધના આદેશને વધારી શકાય છે.