કોરોનાની અસરઃ રાજકોટ એસ.ટી. ડિવિઝને 200થી વધારે રૂટની બસો કરી રદ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્થાનિક સ્તરે નાના ગામો અને શહેરોમાં સ્વયંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા રાજકોટની 205 રૂટની એસ.ટી બસો રદ કરી દેવામાં આવી છે. લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં હોય ત્યારે એસ.ટી બસોમાં પણ મુસાફરોનો ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે.
રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલેના જણાવ્યા અનુસાર રાજકોટ એસ.ટી ડિવિઝનની કુલ 505 બસો દરરોજ દોડે છે ત્યારે અત્યારે રાજ્યભરમાં નાઈટ કર્ફયુની સ્થિતિ હોય હાલમાં 205 રૂટની બસો રદ કરી દેવામાં આવી છે અને જ્યાં વધુ જરૂરિયાત હોય ત્યાં બસો વધુ દોડાવવામાં આવી રહી છે. જેમ જેમ મહામારી ઓછી થશે તેમ રેગ્યુલર બસો ફરી પાછી દોડાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક નિયંત્રણો પણ નાખવામાં આવ્યાં છે. વિવિધ વેપારી સંગઠનો પણ વેપાર-ધંધા બંધ રાખી રહ્યાં છે. જેથી હાલ જનતા કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે.