Site icon Revoi.in

વોવાઝોડાની અસરઃ અમદાવાદમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં આખી રાત વરસાદ વરસ્યો હતો. તેમજ આજે સવારથી શહેરમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. બીજી તરફ વહીવટી તંત્રએ અગમચેતીના ભાગ રૂપે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા વાસણા બેરેજના બે દરવાજા ખોલ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જળસ્તર ઘટાડવા માટે તંત્ર દ્વારા વાસણા બેરેજના બે દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ શહેરમાં હજુ એકાદ-બે દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જેથી સાબરમતી નદીના સ્તરમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેના પરિણામે શહેરીજનોને રિવરફ્રન્ટના ભાગે હરવા-ફરવા નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં શહેરીજનોને કામ વગર બહાર નહીં નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાયરબ્રિગેડ દ્વારા પણ ભારે પવનની સાથે વરસાદની શકયતાને ધ્યાનમાં રાખીને જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીનો સામનો કરતા અમદાવાદમાં વાવાઝોડુ અને ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાત્રિ કરફ્યુમાં 3 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.