દશેરાના તહેવારમાં મોંઘવારીની અસરઃ ફાફડા-જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો
અમદાવાદઃ રાજ્યભરમાં નવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે બુધવારે અસત્ય ઉપર સત્યના વિજય પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો અને નગરોમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે દશેરાના દિવસે માત્ર અમદાવાદમાં જ શહેરીજનો કરોડોના ફાફડા-જલેબી આરોગી જશે. જો કે, આ વખતે મોંઘવારીની અસર ફાફડા-જટેલીના ભાવમાં પણ જોવા મળી રહ્યાં છે જેથી ફાફડા-જલેબીની જયાફત માણવી પણ મોંધી પડશે.
રાજ્યમાં બે વર્ષ બાદ નવરાત્રિની ઉજવણી ધામધૂમથી કરાઈ છે. બીજી તરફ અંતિમ નોરતના રાતથી જ શહેરના વિવિધ વિસ્તારમાં ફાફડા-જલેબીના સ્ટોલ લાગી ચુક્યાં છે. જો કે, ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. ફાફડા-જલેબી બનાવવાની ચીજવસ્તુઓમાં ભાવ વધારો થતા આ વખતે પ્રતિકિલો ફાફડાની કિંમત રુપિયા રૂ. 600થી 700 સુધી પહોંચી છે. જયારે જલેબીનો એક કિલોનો ભાવ રૂ. 1000થી 1100 સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષે એક કિલો ફાફડાનો ભાવ 450થી 500 અને જલેબીનો ભાવ 700થી 800 જેટલો હતો. જો કે, આ વખતે મોંઘવારીની અસર ફાફડા-જલેબીના ભાવમાં જોવા મળી રહી છે.
બીજી તરફ અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે.