- તમિલનાડુમાં વરસાદની અસર
- ગુજરાતના વેપારીઓને પડ્યો ફટકો
- કરોડોનું નુક્સાન થવાની સંભાવના
સુરત :ભારતના દક્ષિણમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં ભારે વરસાદ બાદ રાજ્યની સ્થિતિ તો ખરાબ થઈ છે જ, પરંતુ તમિલનાડુ જોડે વેપાર કરતા અન્ય રાજ્યોની સ્થિતિ પણ ખરાબ થઈ છે. જો વાત કરવામાં આવે ગુજરાતના વેપારીઓની તો સુરતના કાપડના વેપારીઓની ચિંતા વધી છે.
સુરતના વેપારીઓ દ્વારા મોકલવામાં આવેલો માલ ગોડાઉનમાં જ પલળી ગયો છે, તો કેટલીક ટ્રકો ત્યા પૂરમાં ફસાઈ છે. આ વચ્ચે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થવાની ભીતિ છે. કોરોના કાળ બાદ માંડ માંડ કાપડ ઉદ્યોગ પાટા પર આવ્યો હતો.
દિવાળીના તહેવાર પહેલાં સુરતથી ચેન્નાઈ ડ્રેસનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. તમિલનાડુના ગોડાઉનમાં પડેલા જથ્થાને થોડે ઘણે અંશે નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. જોકે, આ બગડેલો માલ હવે પરત આવશે કે શું થશે તેના પર સૌની નજર છે. પણ, કુદરતે વેરેલા વિનાશને કારણે આગામી પોંગલની સીઝનને અસર થવાની ભીતિ અત્યારે રાખવામાં આવી રહી છે. કાપડ બજારમાં વેપારીઓને નવી ખરીદીનો લાભ વર્ષમાં બે સીઝન દિવાળી અને પોંગલમાં મળતી હોય છે.
ઉલ્લેખનીય છે કે હવે દિવાળી પછી આવતા પોંગલના તહેવાર તથા લગ્નસરાની નવી સિઝનની તૈયારીઓ વેપારીઓ શરૂ કરી હતી, ત્યાં પૂર અને વરસાદને કારણે પરિસ્થિતિ બગડતા ચિંતા છે. દિવાળી પછી 80 ટકા ટ્રાન્સપોર્ટર્સે લાભપાંચમથી કામકાજ શરૂ કરી દીધા છે. 40 થી વધુ ટ્રાન્સપોર્ટર્સ દક્ષિણના પાંચ રાજ્યો સાથે સંકળાયેલા છે. સુરતથી પાંચ રાજ્યો માટે રોજ કુલ 225 થી વધુ ટ્રકો રવાના થાય છે, તેમાંથી અડધોઅડધ જેટલી ટ્રકો માત્રને માત્ર તમિલનાડુ જતી હોય છે.