રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતીય શેરબજાર ઉપરઃ એક મહિનામાં રોકાણકારોને 29 લાખ કરોડનું નુકસાન
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસ સોમવારે ગયા અઠવાડિયાની જેમ જ સુસ્તી જોવા મળી હતી. લાલ અંક ઉપર ખુલ્યા બાદ બંને સૂચકાંક તૂટવાની સાથે બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1491 પોઈન્ટ તુટીને 52853 ઉપર બંધ રહ્યો હતો. જ્યારે એનએસસી 382 અંક તુટીને 15863 ઉપર બંધ રહ્યો હતો.
આ પહેલા BSE સેન્સેક્સે 1100થી વધુ પોઈન્ટ તોડીને ટ્રેડિંગ શરૂ કર્યું હતું. ખુલતાની સાથે જ તેનો ઘટાડો વધ્યો અને એક કલાકની અંદર તે 1404 પોઈન્ટ સુધી તૂટી ગયો. મામલો અહીં જ ન અટક્યો અને દિવસમાં સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 380 પોઈન્ટ ઘટીને 15,866ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 450 પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. સોમવારે બેન્કિંગ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, શેરબજાર માટે ફેબ્રુઆરી મહિનો ઘણો ખરાબ સાબિત થયો અને માર્ચમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય રોકાણકારોને ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 29 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દરમિયાન, અન્ય એક તાજેતરના અહેવાલ મુજબ, 15 ફેબ્રુઆરીથી રોકાણકારોને થયેલા નુકસાનને જોતા, રશિયા દ્વારા હુમલો કરવામાં આવતા યુક્રેનના સમગ્ર જીડીપી કરતાં વધુ ભારતીય રોકાણકારોના નાણાં ગુમાવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ખેંચાઈ જવાનો ભય હવે ભારે નુકસાનનો સામનો કરી રહેલા રોકાણકારોમાં ઘર કરી ગયો છે.