Site icon Revoi.in

ભારતમાં સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દુર કરાઈ

Social Share

નવી દિલ્હીઃ ભારત સરકારે જૂન સુધીમાં ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દૂર કરવાનો નિર્ણય લીધો છે. સરકારે આયાત ડ્યુટી મુક્તિ અંગે સ્પષ્ટતા કરી છે કે, 31 માર્ચ પહેલા મોકલવામાં આવેલ સોયા તેલ અને સૂર્યમુખી તેલની આયાત મુક્ત રાખવામાં આવશે કારણ કે આયાત નિયમો અંગેની ગૂંચવણના પરિણામે હજારો કાર્ગો બંદરો પર અટવાયા હતા. આ વર્ષની શરૂઆતમાં વનસ્પતિ તેલના વિશ્વના સૌથી મોટા આયાતકારે 1 એપ્રિલથી શરૂ થતા ચાલુ નાણાકીય વર્ષ માટે 2 મિલિયન ટન ક્રૂડ સૂર્યમુખી તેલ અને સોયા તેલ પરની આયાત ડ્યુટી મુક્તિ સમાપ્ત કરી હતી. ડીલરોએ જણાવ્યું હતું કે આ પગલાને પરિણામે ભારતીય બંદરો પર લોડ થયેલો લગભગ 90,000 ટન કાર્ગો અટવાઈ ગયો છે, જે 31 માર્ચ પહેલા લોડ કરવામાં આવ્યો હતો.

વેજીટેબલ ઓઈલ બ્રોકરેજ અને કન્સલ્ટન્સી ફર્મ સનવિન ગ્રુપના સીઈઓ સંદીપ બજોરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેટલાક કાર્ગો બંદરો પર અટવાયેલા છે. હવે સરકારના નવા આદેશ બાદ તેઓ દેશમાં પ્રવેશ કરી શકશે. ભારત મુખ્યત્વે આર્જેન્ટિના, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી સોયા તેલ, રશિયા અને યુક્રેનમાંથી સૂર્યમુખી તેલની આયાત કરે છે.

સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાનું કહેવું છે કે, સરકારી નોટિફિકેશનથી આયાતકારોને રાહત મળશે. આયાત સ્થાનિક તેલીબિયાંના ભાવમાં ઘટાડો કરશે. આ સાથે ખેડૂતોની આવકમાં પણ ઘટાડો થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મે મહિનામાં ભારતની પામ ઓઈલની આયાત પણ ઘટી શકે છે કારણ કે સોયા અને સૂર્યમુખી તેલની ઉપલબ્ધતા વધશે. પાંચ ડીલરોએ ગયા અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે એપ્રિલ પામ ઓઇલની આયાત એક મહિના અગાઉની સરખામણીએ 3 ટકા ઘટીને 14 મહિનાની નીચી સપાટીએ છે.