નવી દિલ્હીઃ તાજેતરમાં ટાટા આઈપીએલની ફાઈનલ રમાઈ હતી અને તેમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો. IPL 2022 દરમિયાન મહિલા IPLની માંગ ઘણા વર્ષો પછી ઉભી થઈ હતી. આવી સ્થિતિમાં હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને એક મોટી જાહેરાત કરી છે.
BCCIના એક રિપોર્ટ અનુસાર, વુમન્સ IPL માર્ચ 2023માં શરૂ થવાની સંભાવના છે, જ્યારે અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વુમન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન સપ્ટેમ્બરમાં થઈ શકે છે. આઈપીએલ પ્લેઓફના અવસર પર, બીસીસીઆઈએ શેરધારકો સાથે મળીને માર્ચ 2023માં ટુર્નામેન્ટની યજમાની માટે શેડ્યૂલ નક્કી કર્યું છે. જો આ શક્ય ન હોય તો સપ્ટેમ્બરને બીજા વિકલ્પ તરીકે રાખવામાં આવ્યો છે.
પુણેમાં તાજેતરમાં મહિલા T20 ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ત્રણ ટીમ ટ્રેલબ્લેઝર્સ, સુપરનોવાસ અને વેલોસીટીએ ભાગ લીધો હતો. સુપરનોવા અને વેલોસિટી વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ જોવા માટે લગભગ સાડા આઠ હજાર દર્શકો મેદાનમાં પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં મહિલા આઈપીએલના આયોજનની અપેક્ષા વધુ વધી ગઈ છે. મહિલા IPL 6 ટીમો સાથે શરૂ થઈ શકે છે. મેન્સ આઈપીએલની કેટલીક ફ્રેન્ચાઈઝીએ મહિલા ટીમો ખરીદવામાં રસ દાખવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આઈપીએલ 2022 યોજાઈ હતી. આ વર્ષે આઈપીએલમાં બે નવી ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત અને લખનૌની બે નવી ટીમો ઉમેરાતા કુલ 10 ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી. તેમજ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ યોજાઈ હતી.
(PHOTO-FILE)