- પીવાના પાણીથી કારવોશ સહિતની કામગીરી નહીં કરાય
- નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કરાશે દંડાત્મ કાર્યવાહી
બેંગ્લુરુઃ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે અને હાલ ઉંચી કિંમતમાં પાણીના ટેન્કર મળી રહ્યાં છે. બેંગ્લોરમાં હાલ ટેન્કર રાજ હોવાનું લાગી રહ્યું છે. પાણી સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા પીવાના પાણીનો બગાડ બચાવવા માટે કેટલાક મહત્વના નિર્ણય લીધો છે, એટલું જ નહીં પાણીનો બગાડ કરનારની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેથી હવે પીવાના પાણીથી કાર ધોવા સહિતની કામગીરી ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
એક સમયે ગાર્ડન સિટી તરીકે ઓળખાતું બેંગ્લોર આજે પાણીના પ્રત્યેક ટીપા માટે તરસી રહ્યું છે. ઉનાળાના આગમન પહેલા જ શહેરમાં પાણીની કટોકટી વધુ ઘેરી બની છે. આ માત્ર બેંગ્લોર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. અહીં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે કર્ણાટક પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે ઘણા હેતુઓ માટે પીવાના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટક પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે કાર ધોવા, બાગકામ, બાંધકામ, પાણીના ફુવારા અને રસ્તાના બાંધકામ અને જાળવણી માટે પીવાના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી. કર્ણાટક સરકાર પાણીની સમસ્યાના વચ્ચે લોકોને પીવાનું પાણી મળી રહે તેવુ આયોજન કર્યું છે.
(PHOTO – FILE)