CBSE ધો-10 અને 12ની પરીક્ષા મુદ્દે મહત્વનો નિર્ણય, સિંગલ પરીક્ષા પેટર્ન પુનઃસ્થાપિત કરાશે
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEની ધો-10 અને 12ની ટર્મ-2ની આગામી દિવસોમાં પરીક્ષા યોજાશે. જેને લઈને CBSE દ્વારા તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં એક વાર યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બે ટર્મ પોલીસી નાબુદ કરવાનો નિર્ણય લેવાયો છે. તા. 26મી એપ્રિલથી સીબીએસઈની ધો-10 અને 12ની ટર્મ-2ની પરીક્ષાઓનો પ્રારંભ થશે. લગભગ 34 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધો-10 અને 12ની ટર્મ-1ની પરીક્ષા ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લેવામાં આવી હતી, જ્યારે ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે. દરમિયાન નવા શૈક્ષણિક સત્રથી એક જ વાર પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. કોરોના મહામારી પહેલા CBSE બોર્ડની પરીક્ષાને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બોર્ડે શાળાઓ તરફથી રજૂઆતો મળ્યા બાદ સિંગલ પરીક્ષા પેટર્ન પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં તેના પર મંજૂરીની મહોર લાગશે. ગયા વર્ષે કોરોનાને કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. અગાઉની પરીક્ષાઓ, પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તેમના માર્કસના આધારે કરવામાં આવ્યું હતું. CBSE એ છેલ્લા બે વર્ષમાં અપનાવવામાં આવેલી નીતિને યથાવત રાખશે. સિલેબસમાં 30 ટકાનો ઘટાડો કરાયો હતો. નેશનલ પોલિસી ઓન એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવે. એક મુખ્ય પરીક્ષા માટે અને એક સુધારણા માટે.