અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. અમદાવાદ સહિત આઠ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલાતા તંત્ર ચિંતામાં મુકાયું છે. દરમિયાન આ શહેરોમાં કોરોનાને ડામવા માટે IAS કક્ષાના 8 અધિકારીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં કોરોનાના પોઝિટિવ કેસને અટકાવવા માટે સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરોને સત્તા આપી છે. હવે આઈએએસ કક્ષાના આઠ અધિકારીઓને આ શહેરોમાં કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાવામાં આવી હોવાનું જાણવા મળે છે. ડો. મનિષ બંસલને અમદાવાદ જિલ્લાની, દિનેશ રબારીને સુરતની, ડો.હર્ષિત ગોસાવીને વડોદરાની, અમિત યાદવને ગાંધીનગરની, સ્તુતિ ચારણને રાજકોટની, આર.આર.ડામોરને ભાવનગરની, ડો. સુનિલકુમાર બેરવાલને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બે હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવિડ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સરહદો ઉપર પણ કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાના નેગેટિવ રિપોર્ટ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ વડોદરાની હોસ્પિટલની મુલાકાત લઈને કોરોનાના કેસ અંગે સમીક્ષા કરી હતી.