મહિલાઓ બની કરિયર સેવી, જોબ પોર્ટલ પર અરજીઓમાં 40%નો ઉછાળો
- મહિલાઓ છે નોકરીની શોધમાં
- જોબ પોર્ટલ પર અરજીઓમાં 40%નો ઉછાળો
- અલગ-અલગ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધી
નવી દિલ્હી: કોરોના મહામારીના આ સમય દરમિયાન દેશમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે અને પાર્ટ ટાઇમ નોકરીઓની પણ ભરમાર છે ત્યારે હવે ઑનલાઇન જોબ પોર્ટલ પર નોકરીની શોધ કરતી મહિલાઓની સંખ્યામાં પણ 40 ટકાનો વધારો નોંધાયો છે. નવી રીતો સાથેના અર્થતંત્રના ઉદય સાથે કામકાજ કરવાની શૈલી, કાર્યબળ, કાર્યસ્થળો તેમજ કાર્ય સંસ્કૃતિમાં એક જોરદાર બદલાવ જોવા મળ્યો છે. છેલ્લા ક્વાર્ટરની તુલનામાં એપ્રિલ-જૂન 2021ના ક્વાર્ટરમાં અલગ-અલગ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ટેલી કોલિંગમાં 17 ટકા, સેલ્સમાં 13 ટકા, એકાઉન્ટ્સમાં 12 ટકા અને શિક્ષણ ક્ષેત્રમાં 10 ટકાની વૃદ્વિ જોવા મળી છે.
જોબ પોર્ટલ અપના ડોટ-કો અનુસાર લક્ષ્ય 2021ના અંત સુધી મહિલા કાર્યબળની ભાગીદારીને બમણી કરવાનો છે. ગિગ કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી વધવા પાછળ ઘણાં કારણો છે, જેમાં મૂળ કારણો, મહિલાઓ માટે કામ કરવાનો સરળ સમય, તેમને મળતી વધારાની સુવિધાઓ, ઉચિત્ત વેતન અને સારી ક્ષમતાઓ છે.
છેલ્લા 6 મહિનામાં પોતાના પોર્ટલ પર બાયજૂસ, ટીમલીઝ અને શેડોફેક્સ સહિત ટોચની કંપનીઓમાં 2.5 લાખથી વધુ મહિલાઓએ વર્ક ફ્રોમ હોમ નોકરીઓ માટે અરજી કરી છે.
કોવિડ-19ની પહેલી લહેર દરમિયાન મહાનગરોમાં રહેતી લગભગ 20 લાખ મહિલાઓ પોતાના ઘરે પાછી ફરી હતી. સારી ટેક્નોલોજી સુલભ થવાથી હવે તેમને તેની સુવિધાને અનુકૂળ કામની તક સાથે જોડે છે.