હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી )
અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના બીજા ભાગને રજૂ કરીશું. આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું.
તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 2” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ.
- વર્ષ ૧૯૧૨,૨૦-૨૧ નવેમ્બર:બકરી ઈદના પ્રસંગે અયોધ્યામાં ગૌ હત્યાની વિરુદ્ધમાં પહેલું તોફાન થયું.અહી ૧૯૦૬થી જ નગરપાલિકા ધારા હેઠળ ગૌ હત્યા પર પ્રતિબંધ હતો.
- ૧૯૩૪, માર્ચ: ફૈઝાબાદના શાહજહાંપુરમાં થયેલી ગૌ હત્યાના વિરોધમાં તોફાનો થયા. નારાજ હિંદુઓએ બાબરી મસ્જિદની દીવાલ અને ગુંબજને નુકસાન પહોંચાડ્યું. બાદમાં સરકારે તેની મરામત કરાવી.
- ૧૯૩૬: એ વાતની તપાસ કમિશનર દ્વારા કરવામાં આવી કે શું બાબરી મસ્જિદ બાબરે બનાવી હતી?
- ૧૯૪૪,૨૦ ફેબ્રુઆરી: સત્તાવાર ગેજેટમાં એક તપાસ અહેવાલ પ્રસિદ્ધ થયો જે ૧૯૪૫માં શિયા અને સુન્ની વકફ બોર્ડ પછી ફૈઝાબાદની રેવન્યુ કોર્ટના ખટલામાં વખતે સામે આવ્યો.
- ૧૯૪૯,૨૨-૨૩ ડિસેમ્બર: ભગવાન રામની મૂર્તિ મસ્જિદની અંદર પ્રગટ થઈ.આરોપ હતો કે કેટલાક હિંદુ સમૂહોએ આ કામ કર્યું છે. બન્ને પક્ષોએ કેસ કર્યા. સરકારે આ વિસ્તારને વિવાદિત જાહેર કરીને ઇમારતને કબજામાં લેવાનો આદેશ કર્યો, પણ પૂજા અર્ચના ચાલુ રહી.
- ૧૯૪૯,૨૯ ડિસેમ્બર: ફૈઝાબાદના મ્યુનિસિપલ બોર્ડના અધ્યક્ષ પ્રિયા દત્ત રામને વિવાદિત પરિસરના રીસીવર નિમવામાં આવ્યાં.
- ૧૯૫૦: હિંદુ મહાસભાના ગોપાલ વિશારદ અને દિગંબર અખાડાના મહંત પરમહંસ રામચંદ્રદાસે ફૈઝાબાદની અદાલતમાં અરજી કરી જન્મસ્થાન પર સ્વામિત્વનો દાવો કર્યો. બન્નેએ ત્યાં પુજાપાઠ કરવાની મંજુરી માંગી. સિવિલ જજે અંદરનો ભાગ બંધ રાખીને પૂજાપાઠ કરવાની મંજૂરી આપી અને મુર્તિઓને ના હટાવવાનો અંતરિમ આદેશ આપ્યો.
- ૧૯૫૫,૨૬ એપ્રિલ: હાઇકોર્ટે ૩ માર્ચના સિવિલ જજના આ અંતરિમ આદેશ પર મોહર મારી દીધી.
- ૧૯૫૯: નિર્મોહી અખાડાએ બીજી એક અરજી કરીને વિવાદિત સ્થાન પર પોતાનો દાવો રજૂ કર્યો અને પોતાને રામ જન્મભૂમિના સંરક્ષક ગણાવ્યાં.
- ૧૯૬૧: સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે મસ્જિદમાં મૂર્તિઓ રાખવાના વિરોધમાં અરજી કરી અને દાવો કર્યો કે મસ્જિદ અને તેની આસપાસની જમીન એક કબ્રસ્તાન છે, જેના પર તેનો દાવો છે.
- ૧૯૬૪,૨૯ ઓગસ્ટ: જન્માષ્ટમીના રોજ મુંબઈમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઇ.આ સ્થાપના સંમેલનમાં આરએસએસના સર સંઘચાલક શ્રી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર, ગુજરાતી સાહિત્યકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, સંત તુકોજી મહારાજ અને અકાલી દળના માસ્ટર તારાસિંહ ઉપસ્થિત હતાં.
- ૧૯૮૪, ૭-૮ એપ્રિલ: નવી દિલ્હીમાં જન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ માટે હિંદુ સમૂહોએ રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતી બનાવી.તેના અધ્યક્ષ મહંત અવેધનાથ બન્યા. દેશભરમાં રામ જન્મભૂમિ મુકિત માટે રથયાત્રાઓ કાઢવામાં આવી.રામ મંદિર આંદોલને વેગ પકડ્યો. ( ક્રમશઃ)
અનુવાદક: પ્રોફેસર ડૉ. શિરીષ કાશીકર