ગુજરાતી પત્રકારત્વના પાયોનિયર : પારસીઓ
ગુજરાતી પત્રકારત્વના ઉદયમાં,
પારસી કોમ-ધારા મૂળમાં.
– ભવ્ય રાવલ (લેખક–પત્રકાર)
ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાત-ગુજરાતીઓનું નામ રોશન કરનાર બે પારસી બાવાઓ એટલે ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલ
પારસીઓ ગુજરાતી પત્રકારત્વના પાયોનિયર છે. ‘સોજ્જા મજાની કોમ’ તરીકે ઓળખાતા પારસીઓએ ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો છે, પત્રકારત્વનો પાયો મજબૂત બનાવ્યો છે. આજે ગુજરાતી પત્રકારત્વ 200માં વર્ષમાં પ્રવેશી રહ્યું હોય એ ઘટના ભારત અને વિશ્વના પત્રકારત્વની તવારીખ લખનારે નોંધવી પડે એવી વિરલ ઘટના છે સાથોસાથ ગુજરાતી પત્રકારત્વમાં પારસીઓના યોગદાનનું સ્મરણ કરી આભારી થવું પડે એવો પણ પ્રસંગ છે. પત્રકાર ચલપતિરાવે પોતાના પુસ્તક ‘ધ પ્રેસ’માં નોંધ્યું છે કે, પારસીઓ ગુજરાતી વર્તમાનપત્રના પાયોનિયર છે. પત્રકાર ચલપતિરાવની નોંધ સત્ય છે, સ્વીકારવા જેવી છે અને સમજવા જેવી પણ છે. જોકે ન માત્ર અખબાર કે પત્રકારત્વ પરંતુ તમામ ક્ષેત્રે પારસીઓ સદા અગ્રેસર રહ્યા છે. ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે, જેને પારસીએ સ્પર્શ ન કર્યો હોય!
જમશેદજી ટાટા, અરદેશકર ગોદરેજ, લવજી વાડિયા, વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભા, હોમી નસરવાન શેઠના, કાવસજી જહાંગીર, દીનશા એદલજી વાચ્છા, ફિલ્ડમાર્શલ સામ માણેકશા, સ્વાતંત્ર્ય સેનાની દાદાભોઈ નવરોજી, ભિખાઈજી કામા, ફિરોઝશાહ મહેતા, ક્રિકેટર ફારુખ એન્જિનિયર, ઓરકેસ્ટ્રા કન્ડક્ટર ઝુબીન મહેતા, એક્ટર બોમન ઈરાની, કાયદાવિદ્દ નાની પાલખીવાલા, સર દીનશા મુલ્લા, સર જમશેદજી કાંગા, કોટવાલ, સોલી સોરાબજી, ફલી નરીમાન તેમજ ચિત્રકલામાં જહાંગીર સબાવાલા અને શ્યાવક્ષ ચાવડા, હાડવૈદોમાં મઢીવાલા, અંગ્રેજી કવિતામાં આદિલ જસાવાલા અને કેકી દારૂવાલા, રેડિયોમાં રોશન મેમન તથા કવિ ખબરદાર સહિત અઢળક એવાં પારસી બાવાઓ છે, જેમણે ન માત્ર તેમના પસંદીતા ક્ષેત્રમાં પારસી સમાજનું નામ રોશન કર્યું પરંતુ દેશ માટે પણ અનોખું પ્રદાન આપ્યું. આ બધા ધી ગ્રેટ પારસીઓ જેમ જ પત્રકારત્વ ક્ષેત્રે પારસી સમાજમાંથી ગુજરાત-ગુજરાતીઓનું નામ રોશન કરનાર અને અનોખું પ્રદાન આપનાર ઘણા પારસીઓ છે. જેમાના મુખ્ય બે પારસી બાવાઓ એટલે ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલ.
ફરદૂનજી મર્ઝબાન એ વ્યક્તિ હતા જેણે જાત ખુવાર કરીને પ્રેસ તથા ટાઈપ બનાવ્યા અને આજથી 200 વર્ષ પહેલા 1822માં ગુજરાતી ભાષાનું પ્રથમ અઠવાડિક અખબાર ‘શ્રી મુમબઈના શમાચાર’ શરૂ કર્યું. એ જ રીતે રતન માર્શલ એ વ્યક્તિ હતા જેણે ગુજરાતની સ્થાપના અગાઉ મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વખત ‘ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ’ વિષય સાથે ગુજરાતી ભાષામાં જ સંસોધન રજૂ કરી પત્રકારત્વમાં પ્રથમ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આજે ફરદૂનજી મર્ઝબાને શરૂ કરેલું અખબાર મુંબઈ સમાચાર ગુજરાતી ભાષાનું સૌપ્રથમ અને સૌથી જૂનું અખબાર બની રહ્યું છે તો આજે ડો. રતન માર્શલે લખેલું પુસ્તક ‘ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ’ ગુજરાતી પત્રકારત્વની ગીતા ગણાય છે અને પત્રકારત્વના અભ્યાસમાં તે ભણાવાય છે. ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલના અંગત જીવનમાં ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે કે કેવા કઠિનમાં કઠિન સમય, સંજોગ અને સ્થિતિમાં તેમણે ગુજરાતી પત્રકારત્વની પ્રગતિ માટે લોહી-પાણી એક કરી નાખ્યા હતા.
ગુજરાતી પત્રકારત્વજગત ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલનો ઋણ ચૂકવી શકે તેમ નથી. આ બંને પારસીઓ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતપ્રેમી હતા, સારા લેખક-વક્તા પણ હતા. ફરદૂનજી મર્ઝબાન ન ફક્ત ગુજરાતી પત્રકારત્વના પાયોનિયર છે પરંતુ ગુજરાતી મુદ્રણના જનક પણ ગણાય છે જેણે ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો. એ જ રીતે ગુજરાતી પત્રકારત્વના સમગ્ર ઈતિહાસની નોંધ લઈ શોધ-સંશોધન કરનાર રતન માર્શલ પણ ન ફક્ત ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ લખનાર પાયોનિયર છે પરંતુ ગુજરાતી અખબારી ઈતિહાસના સૌ પ્રથમ રચિયતા પણ ગણાય છે જેણે ગુજરાતી પત્રકારત્વને મજબૂત બનાવ્યું. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ છાપખાનું સ્થાપવાનો યશ મુંબઈ સમાચારના આદ્યસ્થાપક ફરદુનજી મર્ઝબાનને ફાળે જાય છે જેણે 1812માં મુદ્રણાલયની સ્થાપના કરી. ગુજરાતી ટાઈપો બનાવ્યા અને મુદ્રણનું કામ શરૂ કર્યું. 1814માં બંગાળી પંચાંગને આધારે ગુજરાતી પંચાંગ તૈયાર કરીને છાપ્યું તો બીજી તરફ ગુજરાતી પત્રકારત્વનો સચોટ-સત્ય ઈતિહાસ રજૂ કરવાનો શ્રેય લેખક-પત્રકાર રતન માર્શલના હિસ્સે જાય છે જેણે 20મી સદીમાં ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસ વિશે લખેલું પુસ્તક પત્રકારત્વના વિદ્યાર્થીઓને 21મી સદીમાં પણ ટેક્સ્ટબુક તરીકે કામ લાગે છે.
ગુજરાતી પત્રકારત્વનો પાયો નાંખનાર ફરદૂનજી મર્ઝબાન અને ગુજરાતી પત્રકારત્વને મજબૂત બનાવનાર રતન માર્શલ સિવાય કેખુશરુ કાબરાજી, માણેકજી મિનોચર, નવરોજ ચાવદાર, દાદાભાઈ નવરોજી, સોરાબજી કાપડીયા, દીનશા કરકરિયા, ફિરોઝ દાવર, ફિરોજશાહ દસ્તુર વગેરે જેવા પારસી પત્રકારોનું ઋણ એવું ને એટલું છે કે તેની નોંધ લેવી જ પડે. મુદ્રણયંત્રની શોધ કરનાર જીજીભાઈ બેહરામજી છાપગર નામના પારસીને પણ ભૂલી શકાય તેમ નથી જેમણે મુદ્રણ માટે પ્રથમ ગુજરાતી અક્ષરોના બીબા બનાવ્યા. બે સદી અગાઉનો એ સમય હતો જ્યારે ગુજરાતી પત્રકારત્વ પર પારસીઓનું પ્રભુત્વ હતું. શ્રી મુમબઈના શમાચાર, મુમબઈના ચાબુક અને રાસ્ત ગોફ્તાર જેવા પત્રોમાં શાબ્દિક યુદ્ધ છેડાતા અને બદનક્ષીના દાવા થતા. જે શાબ્દિક યુદ્ધોની અને દાવાઓની ભાષા લોકબોલીની હતી. ક્યાય વ્યાકરણના નિયમો કે શબ્દરચના સરખી ન હતી છતાં વાંચકોને એ વાંચવાની મજા પડતી. એક રીતે જોવા જઈએ તો એ આજનાં સમયમાં આવતા અખબારો જેવા અખબારો નહીં પરંતુ એક પ્રકારના પત્રો હતા. ઘણા તેને ચોપાનીયા તરીકે પણ ગણાવે છે જેમાં જાહેરખબરો, સરકારી જાહેરનામું, ગેજેટ, દેશાવરમાં મહેશુલ ખાતાની બદલીઓ, મુંબઈમાં આવતા અંગ્રેજો, વહાણોના નામ, આવાગમન સમયપત્રક, ઉતારુ-સંખ્યા, લગ્ન, જન્મ, મૃત્યુ તિથિવારની નોંધો અને લોકોપયોગી ચીજવસ્તુઓની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવતી.
ગુજરાતી પત્રકારત્વના પ્રારંભકાળે પારસીઓના આંતરિક મતભેદોએ અન્ય પ્રકાશનોની દિશા ઉગાડી આપી અને પછી તો ઈબતાલી કસીબે, અખબાર ઈ કસીબે, મુમબઈના વરતમાન, મુમબઈનો હલકારું, જામે જમશેદ, વરતમાન અને સમશેર બહાદુર વગેરે જેવા ઘણા પત્રો શરૂ થયા, બંધ થયા આ સાથે જ તેના નામ, માલિક અને સંસ્થાઓ પણ બદલાતા ગયા. પારસીઓ સિવાય અન્ય કોમ-જ્ઞાતિઓએ પણ અખબારી પ્રકાશનમાં ઝંપલાવ્યું. આ દરમિયાન ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે, ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર મુંબઈ સમાચાર 1822માં શરૂ થયું એ પછી છેક એક દાયકા બાદ મરાઠી ભાષાનું પ્રથમ અખબાર બહાર પાડ્યું હતું અને એ પણ લીથ્રોગ્રાફી ઉપર છપાતું જ્યારે મુંબઈ સમાચાર ટાઈપ સહિતના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાતું. 1780માં કલકત્તાથી જેમ્સ ઓગસ્ટસ હીકીએ ભારતનું સર્વપ્રથમ અખબાર બેંગાલ ગેઝેટ બહાર પાડ્યું અને એ પછીના ચાર જ દાયકા બાદ જ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ અખબાર મુંબઈ સમાચાર બહાર પડ્યું જે આજે દેશ અને એશિયાનું સૌથી જૂનું હયાત અખબાર બની રહ્યું છે. આમ, ગુજરાતી પત્રકારત્વનો પાયો મુંબઈમાં પારસીઓએ નાખ્યો હતો અને ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખી તેને મજબૂત બનાવનાર પણ પારસીઓ જ હતા. ગુજરાતમાં એટલે કે ગુર્જરપ્રદેશમાં છેક 1849માં વરતમાન નામનું અખબાર અમદાવાદથી પ્રગટ થયું હતું એવું જાણમાં આવે છે. અને પછી તો રાજકોટ-જૂનાગઢથી પણ અનેક અખબારો પ્રકાશિત થવા લાગ્યા હતા, એક આખો અખબારી યુગ શરૂ થયો જેણે આજે 200માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
વધારો : જો કોઈ ઘરના આંગણે બારેમાસ રંગોળી જોવા મળે તો સમજી લેવું કે આ ઘર પારસી બાવાનું હશે. આ વાતની સાથે જ ઘણાને એ પણ ખ્યાલ નહીં હોય કે એક સમયે ક્રિકેટમાં પારસીઓનો દબદબો હતો. ભારતની પ્રથમ ક્રિકેટ ટીમ ઈંગ્લેંડનાં પ્રવાસે ગઈ ત્યારે મોટાભાગના ખેલાડી પારસી હતા. કરાંચીનું ‘પારસી સંસાર અને લોકસેવક’ નામનું અર્ધસાપ્તાહિક સિત્તેર વર્ષથી કેવી રીતે ચાલી શકે? એના તંત્રી પિરોજશા 59 વર્ષો સુધી તંત્રી રહ્યા હતા જે એક વિશ્વવિક્રમ હશે! અને કલકત્તાનું જાલુ અને નવલ કાંગાનું ‘નવરોઝ’ સાપ્તાહિક પણ સતત સિત્તેરથી વધુ વર્ષોથી કેવી રીતે ચાલી શકે? અને હા, 1901માં મહિલાઓ માટેનું મેગેઝિન ‘સરસ્વતી’ શરૂ કરનાર પણ પારસી મહિલા મહેરબાનુ એડનવાલા હતી. અત્યારે ભલે ગુજરાતી પત્રકારત્વમાં વાણીયા, બ્રાહ્મણ, પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ હોય પરંતુ ગુજરાતી પત્રકારત્વના ઉદયમાં પારસી કોમ-ધારા મૂળમાં જોવા મળશે.
પરિચય : ભવ્ય રાવલ
ભવ્ય રાવલ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે. મેઈન સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાંચકો ભવ્ય રાવલના લખાણ વાંચે છે એ પણ ઓનલાઈન!
યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાંક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે. ભવ્ય રાવલે બે નવલકથાઓ ‘…અને’ ઑફ ધી રેકર્ડ અને ‘અન્યમનસ્કતા’ તથા ‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ એમ કુલ ત્રણ પુસ્તકો લખ્યા છે.
એક પત્રકાર તરીકે ભવ્ય રાવલે અનેક લોકોના ઈન્ટરવ્યૂ લીધેલાં છે તેમજ પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પર સંશોધન કરેલું છે. તેઓએ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વમાં એમ.ફિલ (માસ્ટર ઈન ફિલસૂફી) અભ્યાસક્રમ કર્યો છે.
Email : ravalbhavya7@gmail.com