Site icon Revoi.in

પ્રવાસને લગતી મહત્વની જાણકારી, SOU 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ

Social Share

કેવડીયા :ગુજરાતના મોટા પ્રવાસી સ્થળોમાનું એક સ્થળ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી બંધ રહેશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે, 31 ઓક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ હોવાની માહિતી સ્ટેચ્યુના ચીફ એડમિનિસ્ટ્રેટરની ઓફિસ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે, તેને લગતા અન્ય આકર્ષણો પણ 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે.

સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડીયા પહોંચે છે. આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. વર્ષ 2020માં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કમાણીની દ્રષ્ટિએ દેશના ટોચના 5 સ્મારકોને પાછળ છોડી દીધા છે. 31 ઓક્ટોબર 2013ના રોજ સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશાળ પ્રતિમાના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો.

પાંચ વર્ષ બાદ 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન મોદીએ તેનું ઉદ્ઘાટન પણ કર્યું. માત્ર દોઢ વર્ષમાં આ સ્મારકે 120 કરોડથી વધુની કમાણી કરી હતી. વર્ષ 2018 માં ઉદ્ઘાટન બાદ એક વર્ષમાં 24 લાખથી વધુ પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા. જેનાથી લગભગ 64 કરોડની કમાણી થઇ હતી. વર્ષ 2019માં આ સ્મારક દેશનું ટોચનું 5 સૌથી વધુ કમાણી કરતું સ્મારક બન્યું.