નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તેલની કિંમતમાં 30 રૂપિયાના વધારાને લઈને દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર pm શરીફ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન સરકાર રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા ઈચ્છતી નથી કારણ કે ‘ગુલામ’ નેતાઓ અમેરિકાના જવાબી કાર્યવાહીથી ડરે છે. અમારી સરકારે તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે ભારતે તેલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ભારત સ્વતંત્ર અને ગુલામ દેશ વચ્ચે નિર્ણય લેવામાં તફાવત દર્શાવે છે.
ઈમરાન ખાને શાંગલામાં એક રેલીને સંબોધિત કરતા આરોપ લગાવ્યો કે, પાકિસ્તાન સરકારનું ગુલામ નેતૃત્વ રશિયા પાસેથી સબસિડી વગરનું તેલ ખરીદી શકતું નથી અમેરિકાએ તેમને આવું કરવા દીધું ન હતું. તેનું કારણ એ છે કે અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો સારા નથી. તેમણે કહ્યું, ‘અમારી સરકારે પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ભારત સરકારે તાજેતરમાં જ તેલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પૂર્વ પાકિસ્તાની PMએ કહ્યું કે ભારતે સ્વતંત્ર, બાહ્ય હસ્તક્ષેપથી મુક્ત અને સસ્તા દરે રશિયા પાસેથી તેલ ખરીદ્યું છે. નવી સરકાર આવ્યા બાદ તમામ સામાન મોંઘો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, જે દેશ પોતાના ડરને કાબૂમાં રાખી શકતો નથી તે ગુલામ બની જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય સંકટ વચ્ચે પાકિસ્તાનમાં ઈમરાન ખાને સત્તા ગુમાવી હતી અને શરીફ નવા વડાપ્રધાન બન્યાં છે. બીજી તરફ ઈમરાન ખાન દ્વારા ચૂંટણીની જાહેરાતની માંગણી સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તાજેતરમાં પણ ઈમરાન ખાને ભારતની પ્રશંસા કરી હતી.