નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સહિત 150થી સહિતથી વધારે ગુનાનો સામનો કરતા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ આર્મી સહિતની સરકારી ઈમારતોમાં તોડફોડ કરીને આગચંપીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં હવે શરીફ સરકારે ઈમરાન સામે કાનૂની ગાળિયો વધારે કસ્યો છે. ત્યારે પોતાને બચાવવા માટે હવાતિયા મારતા ઈમરાન ખાનને દુનિયામાં શાંતિનું પ્રતિક ગણાતા ભારતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને નેલ્સન મંડેલાની યાદ આવ છે. એટલું જ નહીં પોતાની સરખામણી બંને મહાન નેતા તથા પાકિસ્તાનના કાયદે આઝમ મહમ્મદ અલી ઝીન્ના સાથે કરી છે. ભારત સામે હંમેશા ઝેર ઓકતા અને પાકિસ્તાનમાં તાજેતરમાં મોટા પાયે થયેલી હિંસા માટે જવાબદાર મનાતા ઈમરાન ખાનને પોતાનુ કદ વધાવરા માટે હવે મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાના નામનો સહારો લેતા શાંતિના માર્ગે ચાલનારા રાજકીય આગેવાનો અને ભારતીયોમાં રોષ ફેલાયો છે.
ક્રિકેટરમાંથી રાજકારણી બનેતા ઈમરાન ખાને કહ્યું હતું કે, મને ખબર છે કે મને ફરીથી જેલમાં નાખી દેવામાં આવશે, વિરોધીઓને ડર છે કે હું બહાર રહીશ તો મારી પાર્ટીને વધારે મજબુત બનશે. જેથી મને જેલમાં નાખી ચૂંટણી લડતા પણ અટકાવવાનો પ્રયાસ કરાશે. તેઓ અમને જેટલા દબાવવાનો પ્રયાસ કરશે તેટલા અમે વધારે મજબુત બનીશું. હું નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીન્નાના માર્ગ ઉપર ચાલી રહ્યો છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું રાજનીતિમાં કેરિયર બનાવવા નથી આવ્યો, તેમજ કોઈને રાજનીતિમાં કેરિયર બનાવવાની સલાહ આપતો નથી. રાજનીતિ સૌથી ખરાબ કેરિયર છે, રાજનીતિ એક મકસદ છે. નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી અને ઝીન્ના જેવા આગેવાનો આઝાદી માટે લાંબી લડાઈ લડ્યાં હતા. તેઓ નિઃસ્વાર્થ સેવા કરતા હતા. જેથી મને પ્રેરણા મળી છે, તેમને કોઈ સત્તા જોઈતી ન હતી. તેઓ માત્ર એક લક્ષ્ય માટે લડતા હતા. ઈમરાન ખાને આગામી ચૂંટણીમાં પીટીઆઈની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.