નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવશે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા ગુમાવનાર ઈમરાન હંમેશા પોતાના ભાગ્ય માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે. પરંતુ હવે જો ઈન્ટરસેપ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો લાગે છે કે, તે સત્ય કહી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટ એ અમેરિકન બિન-લાભકારી સમાચાર સંસ્થા છે. તેણે કેટલાક કેબલ્સને ટાંકીને કહ્યું છે કે, ઈમરાનને અમેરિકાના દબાણમાં તેમની સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા.
ઇન્ટરસેપ્ટ દાવો કરે છે કે, પાકિસ્તાન સરકારના વર્ગીકૃત દસ્તાવેજો અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 7 માર્ચ, 2022 ના રોજ એક મીટિંગમાં ઇમરાનને પીએમ પદ પરથી હટાવવા માટે કહ્યું હતું. યુક્રેન પર રશિયન આક્રમણ અંગેના તેના તટસ્થ વલણથી અમેરિકા ખુશ નહોતું. લીક થયેલા પાકિસ્તાની સરકારી દસ્તાવેજમાં અમેરિકી અધિકારીઓ સાથેની બેઠકના એક મહિના બાદ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. વોટિંગ બાદ ઈમરાન ખાનની સરકાર પડી અને તેમને સત્તા પરથી હટી જવું પડ્યું.
સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની સૌથી શક્તિશાળી સૈન્યની મદદથી આ વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી, ઇમરાન અને તેના સમર્થકો સેના અને તેના સાથીઓ સાથે ઝઘડો કરી રહ્યા છે. જેમને ખાને અમેરિકાની વિનંતી પર સત્તા પરથી હટાવવાનો દાવો કર્યો છે. કેબલ, આંતરિક રીતે ‘સાયફર‘ તરીકે ઓળખાય છે,
વિદેશ વિભાગે વચન આપ્યું હતું કે જો ઈમરાન ખાનને હટાવવામાં આવશે તો અમેરિકા સાથેના સંબંધો સુધરશે. જો તેમને દૂર કરવામાં ન આવે તો સંબંધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે. ઇન્ટરસેપ્ટે દાવો કર્યો છે કે તેને આ દસ્તાવેજો પાકિસ્તાન આર્મીના અજ્ઞાત સ્ત્રોત પાસેથી મળ્યા છે. આ અનામી વ્યક્તિએ કહ્યું હતું કે, તેને ઈમરાન ખાન કે તેની પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. અમેરિકામાં પાકિસ્તાની રાજદૂત અને વિદેશ વિભાગના બે અધિકારીઓ વચ્ચેની બેઠક છેલ્લા દોઢ વર્ષથી દેશમાં તપાસ, વિવાદ અને અટકળોનો વિષય બની છે.