જેલમાં બધ ઇમરાનની બુદ્ધિ ભ્રષ્ટ, ભારત પર મુક્યો આ ગંભીર આરોપ
પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે ભારત પાકિસ્તાનની અંદર હત્યાઓ કરી રહ્યું છે. ઈમરાન ખાને દેશમાં અને અફઘાનિસ્તાન તેમજ ભારતની સરહદો પર ગંભીર સુરક્ષા સ્થિતિ અંગે પણ ચેતવણી આપી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન દ્વારા આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હોય. આ વર્ષે જાન્યુઆરીમાં પણ પાકિસ્તાન દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે ભારતે તેની ધરતી પર હત્યાઓ કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ભ્રષ્ટાચારના આરોપમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાને બ્રિટિશ અખબાર ‘ડેઈલી ટેલિગ્રાફ’માં કોલમ લખી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન એ દિશામાં આગળ વધી રહ્યું છે જે 1971માં તેના ભાગલાનું કારણ બની હતી. તે સમયે પૂર્વ પાકિસ્તાનને ગુમાવવું પડ્યું હતું, જે હવે બાંગ્લાદેશ બની ગયું છે. ઇમરાને દેશની સ્થિતિ માટે સેનાને જવાબદાર ગણાવી છે.
ભારત પાકિસ્તાનમાં હત્યાઓ કરી રહ્યું છેઃ ઈમરાન ખાન
ઈમરાન ખાને લખ્યું, “બલૂચિસ્તાનમાં વધતો આતંકવાદ અને અલગતાવાદ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકોના બળજબરીથી ગુમ થવાનો મુદ્દો ગંભીરતા સાથે વધી રહ્યો છે. જો આપણે પાકિસ્તાનની સરહદોની વાત કરીએ તો ભારતે પહેલાથી જ દેશની અંદર હત્યાઓ કરવાનું શરૂ કરી દીધું છે.” અફઘાનિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતિ અસ્થિર છે. ઈમરાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના પર સંઘર્ષ પણ થયો છે.
સેના પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
પૂર્વ વડાપ્રધાને પોતાની સ્થિતિ માટે દેશની સૈન્ય સંસ્થાન એટલે કે પાકિસ્તાની સેનાને જવાબદાર ઠેરવી છે. તેમણે દાવો કર્યો છે કે હવે જે બચ્યું છે તે બસ ‘મારી નાંખવા’નું જ બાકી છે. ઈમરાને પુનરોચ્ચાર કર્યો છે કે જો તેમને અથવા તેમની પત્નીને કંઈ થશે તો આર્મી ચીફ જનરલ અસીમ મુનીર જવાબદાર રહેશે.
ઇમરાને કહ્યું, “મિલિટરી એસ્ટિબ્લિશમેન્ટે મારા વિરૂદ્ધ તેઓ જે કરી શકે તે બધું કર્યું છે. હવે તેમના માટે જે બચ્યું છે તે મને મારી નાંખવાનું જ બાકી છે. મેં જાહેરમાં કહ્યું છે કે જો હું અથવા મારી પત્ની (બુશરા બીબી)ની હત્યા થઈ જાય. જો કંઈપણ થાય તો જનરલ અસીમ. મુનીર જવાબદાર હશે, પરંતુ હું ડરતો નથી કારણ કે મારો વિશ્વાસ મજબૂત છે, હું ગુલામી કરતાં મૃત્યુ પસંદ કરીશ.”