ઈમરાનના સમર્થકોએ ઝીણાનું લાહોર સ્થિત ઘરમાં આગ ચાંપીને લૂંટફાટ મચાવતા સ્થાનિક રાજકારણ ગરમાયું
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ થયેલા હોબાળામાં મોહમ્મદ અલી ઝીણાનું લાહોર સ્થિત ઘર પણ સળગી ગયું હતું. એ જ ઝીણા જેમણે ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરાવ્યું હતું. જેમને પાકિસ્તાનના સ્થાપક કહેવામાં આવે છે. ઈમરાન ખાનના સમર્થકોએ એવી અરાજકતા ફેલાવી કે આખી દુનિયા જોતી રહી. અલગ-અલગ રિપોર્ટ્સ અનુસાર જિન્નાના ઘરમાંથી લગભગ 15 કરોડ રૂપિયાનો સામાન પણ લૂંટવામાં આવ્યો હતો.
મોહમ્મદ અલી ઝીણાએ લાહોરમાં રહેતા મોહન લાલ બેસિન પાસેથી 1943માં બંગલો લીધો હતો. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ જિન્ના જ્યારે લાહોર પહોંચ્યા ત્યારે આ ઘરમાં રહેવા લાગ્યા હતા. 1948 માં બીમારીના કારણે તેમનું અવસાન થયું હતું. પહેલા તે બ્રિટિશ આર્મીના કબજામાં હતું, પછી જિન્નાના મૃત્યુ પછી તે તેમના પરિચીત સૈયદ મારતબ અલીને આપવામાં આવ્યું હતું. આ પછી પાકિસ્તાની સેનાએ 500 રૂપિયાના માસિક ભાડા પર તેને પોતાના કબજામાં લઈ લીધો હતો. થોડા વર્ષો પછી, પાકિસ્તાન સેનાએ સત્તાવાર રીતે આ બંગલાને સેનાના કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે આ બંગલો ઝીણાના નામે રજીસ્ટર છે. ત્યારથી લાહોર પ્રશાસન અને સેના વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ સેનાએ સત્તાવાર રીતે જણાવ્યું કે, આ બંગલો તેમણે મોહમ્મદ અલી ઝીણાની બહેન ફાતિમા જિન્ના પાસેથી 3.50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઈમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાનમાં રાવલપિંડીથી લઈને કરાચી અને લાહોર સુધી આતંક મચાવ્યો છે. પાકિસ્તાની સેનાના અધિકારીઓના ઘર પણ સળગાવી દેવામાં આવ્યા છે. લાહોર કેન્ટોનમેન્ટ બોર્ડના પત્ર નંબર 2219/3170 મુજબ, જિન્નાહ હાઉસ ડાયગોનલ રોડ, લાહોર પર છે, આ ઘર અફશાન ચોક પાસે અઝીઝ ભટ્ટી રોડ-તુફૈલ રોડ અને તુફૈલ રોડ-નાગી રોડના આંતરછેદ પર છે. જેમાં તોડફોડ, લૂંટ અને આગચંપીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
(Photo-File)