Site icon Revoi.in

108 સેવામાં 300થી 400 કોલ વેઈટિંગમાં, તમામને યોગ્ય સારવાર મળે તે માટે સરકાર પ્રયત્નશીલ : નીતિન પટેલ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી લહેરમાં કોઈ જિલ્લા કે તાલુકામાં કેસ નથી એવું રહ્યું નથી. બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નવી વ્યવસ્થા ઊભી કરીએ છીએ તેના કરતાં જરૂરિયાત વધુ છે. દર્દીઓ માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જગ્યા ઓછી છે. 1200 બેડ હોસ્પિટલ કુલ થઈ ગઈ છે એક પણ નવા દર્દીને દાખલ કરી શકાય એમ નથી. તેમ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું

તેમણે વધુમાં જણાવ્યું કે, બધી હોસ્પિટલમાં બેડ ભરેલા છે. ઓક્સિજન લેવલ 95થી ઘટી જાય તો જ હોસ્પિટલમાં દાખલ થાય તેવી વિનંતિ છે. 108માં 300થી 400 કોલ વેઈટીંગમાં છે. ક્યાં દર્દીને ક્યાં મોકલવા તેની વ્યવસ્થા IAS દિલીપ રાણાને સોંપી છે. બીજી હોસ્પિટલ દાખલ કરે કે ના કરે. જવાબદારી નિભાવે કે ન નિભાવે પણ સિવિલ હોસ્પિટલમાં આવેલા તમામ દર્દીઓને દાખલ કરવા પ્રયત્ન કરીએ છીએ. સિવિલ મેડિસીટી હોસ્પિટલમાં વધુ વધુ બેડ, ઓક્સિજન વધારવા, વેન્ટિલેટર, ઇન્જેક્શન આપવા વગેરે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તમામ સરકારી હોસ્પિટલો પર ખૂબ જ ભારણ આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું. રજા વગર 108, ડોક્ટરો અને સ્ટાફ રાત દિવસ કામ કરે છે. અત્યારે જે વેવ ચાલ્યો છે એ એટલે મોટા પ્રમાણમાં છે કે દર્દીઓ વધી રહ્યા છે. તમામ સુવિધા કરી રહ્યા છીએ.  યુ.એન મહેતામાં રેસિડન્ટ ડોક્ટર હોસ્ટેલમાં 7 દિવસમાં 160 બેડ ઉભા કર્યા છે. યુ.એન.મહેતામાં હોસ્પિટલમાં 160 બેડ શરૂ થતાં હવે ત્યાં દાખલ કરીશું. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન વગેરેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજથી જ આ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામા આવશે. 1200 બેડમાં જ્યાં ભીડ થાય છે એ ઓછી કરવા હવે અહીં હોસ્ટેલમાં 108માં લાવવામાં આવશે. 80 બેડ મંજુશ્રી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યા છે. કેન્સર હોસ્પિટલમાં પણ બીજા 30 બેડ વધારવામાં આવશે. જે આવતીકાલ તા.19 એપ્રિલ સાંજ સુધીમાં શરૂ થશે.