ગુજરાતની 11 યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર તરીકે અધ્યાપકોને સ્થાને ક્લાસવન અધિકારીઓ મુકાશે
અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 11 જેટલી સરકારી યુનિર્સિટીઓમાં હવે રજિસ્ટ્રાર તરીકે શિક્ષણવિદો યાને અધ્યાપકોને સ્થાને આઈએએસ અધિકારીઓને નિમવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે હાલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમિક કાઉન્સિલની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ 1 મહિનાના સમયગાળામાં જ BOM અને ECના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. BOMમાં 17 સભ્યો પૈકી 11 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે,
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક-2023 પસાર કર્યા પછી રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ સત્તા મંડળો રચવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ સંજોગોમાં સામાન્યરીતે દરેક યુનિવર્સિટીઓ અત્યાર સુધી અધ્યાપકોને રજિસ્ટાર તરીકે પસંદ કરવામાં આવતા હતા, પણ હવે પછી ગેસ કેડરના કલાસ વન અધિકારીઓને પસંદ કરવામાં આવે તે દિશામાં સરકાર વિચારી રહી છે. આ ઉપરાંત રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમિક કાઉન્સિલની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટીએ આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દીધી છે. અત્યાર સુધી રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં કુલપતિ પછી રજિસ્ટ્રારની જવાબદારી મુખ્ય હોય છે. રજિસ્ટ્રાર વહીવટી જવાબદારી નિભાવતા હોય છે, અત્યાર સુધી આ જવાબદારી માટે કોલેજોમાં અભ્યાસ કરાવતા અધ્યાપકોની નિયુક્તિ કરવામાં આવતી હતી, પણ હવે રાજ્યની 11 યુનિવર્સિટીઓ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક હેઠળ આવી ગઇ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, યુનિવર્સિટીની વહીવટી બાબતો તરફ રાજ્ય સરકાર વધુ લક્ષ્ય આપી રહી છે. આ લક્ષ્યને સાર્થક કરવા માટે વહીવટી અનુભવ ધરાવતા ગેસ કેડરના કલાસ વન અધિકારીઓની પસંદગી કરવા તરફ સરકાર આગળ વધી રહી છે. કલાસ વન અધિકારીની નિયુક્તિઓથી યુનિવર્સિટીઓમાં વહીવટી બાબતો સંપૂર્ણપણે રજિસ્ટ્રાર નિભાવશે અને કુલપતિ એકેડમિક બાબતો તરફ લક્ષ્ય આપશે તેવું સૂત્રોનું કહેવું છે. યુનિવર્સિટીઓના રજિસ્ટ્રાર તરીકે કલાસ વન અધિકારી મુકાઇ તે દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.