કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક મંદિર તોડવા ઔરંગઝેબે 1669માં આદેશ કર્યો હતો, ઔરંગઝેબની પુસ્તકમાં ઉલ્લેખ
નવી દિલ્હીઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ વચ્ચે મુગલ સામ્રાજ્યના ક્રુર શાસક મનાતા ઔરંગઝેબની પુસ્તક ‘માસિર-એ- આલમગિરી’ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પુસ્તક અનુસાર, ઔરંગઝેબએ 8મી એપ્રિલ 1669માં બ્રામણોની તમામ પાઠશાળાઓ અને મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. 2 સપ્ટેમ્બરના રોજ કાશી વિશ્વનાથ મંદિર તોડી પાડ્યાની જાણકારી ઔરંગઝેબને મળી હતી. આમ બનારસમાં કાશી વિશ્વનાથ મંદિર 8 એપ્રિલ 1669થી 2 સપ્ટેમ્બર 1969ના સમયગાળામાં તોડી પાડવામાં આવ્યાનું ઈતિહાસકારો માની રહ્યાં છે.
ફારસી ભાષામાં લખાયેલી મુગલ શાસક ઔરંગઝેબની પુસ્તક ‘માસિર-એ- આલમગિરી’ને મુસ્તાઈદ ખાને લખી હતી. તેઓ ઔરંગઝેબના ખાસ વિશ્વાસુ મનાતા હતા. આ પુસ્તકને મુસ્તાઈદ ખાને 1710માં પૂર્ણ કરી હતી. આ પુસ્તકમાં ઔરંગઝેબના શાસનના 1658થી લઈને 1707 સુધીની તમામ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફારસી ભાષામાં લખાયેલી આ પુસ્તકનું અનુવાદ સર જદુનાથ સરકારે કર્યું હતું. આ પુસ્તક એશિયાટીક સોસાયટી કોલકાતામાં પણ ઉપલબ્ધ છે. તેમજ મૂળ પાંડુલિપીમાં પણ અહીં ઉપલબ્ધ છે. પુસ્તક અનુસાર 8મી એપ્રિલ 1669માં બનારસની તમામ પાઠશાળાઓ અને મંદિરોને તોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ કાશી વિશ્વનાથ મંદિર તુટવાની જાણકારી અંગે પણ પુસ્તકમાં ઉલ્લેખ છે.
‘માસિર-એ- આલમગિરી’નો પ્રથમભાગ ઔરંગઝેબની હયાતીમાં લખાયો હતો. ઔરંગઝેબના મૃત્યુ બાદ પુસ્તકની લખાણની કામગીરી પૂર્ણ થઈ હતી. બ્રિટિશ શાસનમાં પ્રસિદ્ધ ઈતિહાસકાર સર જદુનાથ સરકારે તેનું અનુવાદ કર્યું હતું.
‘માસિર-એ- આલમગિરી’ પુસ્તક અનુસાર 8મી એપ્રિલ (મંગળવાર) 1667માં ગ્રહણ લાગ્યું હતું અને પ્રથા અનુસાર પ્રાર્થના સભા કરાઈ હતી તેમજ ભિક્ષા વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઔરંગઝેબને જાણકારી મળી કે, ટેટ્ટા, મુલ્તાનના પ્રાંતોમાં ખાસ કરીને બનારસના બ્રાહ્મણો પોતાની સ્કૂલોમાં પોતાની પુસ્તકનો અભ્યાસ કરાવે છે. એટલું જ નહીં અહીં હિન્દુઓની સાથે મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ દૂર-દૂરથી તેમની પાસે અભ્યાસ કરવા આવે છે. જેથી ઈસ્લામની સ્થાપનાની ઈચ્છા રાખનારા ઔરંગઝેબે તમામ પ્રાંતોના ગવર્નરોને હિંદુઓની સ્કુલો અને મંદિરો તોડી પાડવા આદેશ કર્યો હતો. તેમજ હિન્દુ ધર્મનું શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ કરવા આદેશ કર્યો હતો.