દેશના નાગરિકો ‘ઈન્ડિયા’ કે ‘ભારત’ કહેવા માટે સ્વતંત્ર, વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટે એક અરજીમાં કર્યો હતો નિર્દેશ
નવી દિલ્હીઃ ઈન્ડિયા વિરુદ્ધ ભારત વિવાદમાં કોંગ્રેસ સહિત વિપક્ષ અને ભાજપ વચ્ચે નવી ચર્ચા જાગી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં જ આ મુદ્દે મોટી અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો કે દેશને ઈન્ડિયાને બદલે ભારત કહેવામાં આવે. વર્ષ 2015 માં સર્વોચ્ચ અદાલતમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે, દેશનું સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ ભારત રાખવામાં આવે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ-1માં ફેરફાર કરવા પર વિચાર કરવાની કોઈ સ્થિતિ ઊભી થઈ નથી. આ પીઆઈએલને ફગાવી દેતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે નાગરિકો ‘ઈન્ડિયા’ કે ‘ભારત’ કહેવા માટે સ્વતંત્ર છે. અરજીમાં એનજીઓ અને કોર્પોરેટ્સને તમામ સત્તાવાર અને બિનસત્તાવાર હેતુઓ માટે ભારત શબ્દનો ઉપયોગ કરવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી હતી.
નિવૃત્ત ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુર અને જસ્ટિસ યુયુ લલિતની ખંડપીઠે તેને ફગાવીને કહ્યું હતું કે, ‘ભારત કે ઈન્ડિયા? જો તમારે તેને ભારત કહેવુ હોય તો કહો. જો કોઈ તેને ઈન્ડિયા કહેવા માંગે છે, તો તેને ઈન્ડિયા કહેવા દો. મહારાષ્ટ્રના નિરંજન ભટવાલે આ અરજી દાખલ કરી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે અરજદારને ઠપકો આપતાં 11 માર્ચ 2016ના રોજ પણ કહ્યું હતું કે, પીઆઈએલ ગરીબ લોકો માટે છે. તમને શું લાગે છે કે અમારે બીજું કંઈ કરવાનું નથી.
G20 આમંત્રણ પર ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવા બદલ વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલા કેન્દ્રે નવેમ્બર 2015માં સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, ભારતને બદલે દેશને ‘ઈન્ડિયા’ કહેવાની જરૂર નથી. કેન્દ્રએ કહ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ 1માં કોઈપણ ફેરફારને ધ્યાનમાં લેવા માટે સંજોગોમાં કોઈ ફેરફાર થયો નથી.
પીઆઈએલનો વિરોધ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, બંધારણ સભાએ બંધારણ ઘડતી વખતે દેશના નામ પર વ્યાપકપણે વિચાર વિમર્શ કર્યો હતો. મૂળ મુસદ્દામાં ભારતનો કોઈ ઉલ્લેખ નહોતો અને ભારતવર્ષ, ભારતભૂમિ, ઈન્ડિયા ધેટ ઈઝ ભારત અને ભારત ધેટ ઈઝ ઈન્ડિયા જેવા નામો ઉપર વિચાર થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર પીઆઈએલને પહેલા જ ફગાવી દીધી છે, જે આ મુદ્દા પર દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ છે ત્યારે તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે. કોંગ્રેસે દાવો કર્યા બાદ ચર્ચા શરૂ થઈ હતી કે રાષ્ટ્રપતિ ભવન દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ G-20 સમિટ ડિનર માટે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ને બદલવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે, ઈન્ડિયા શબ્દ હટાવીને ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.