દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આત્મનિર્ભર ભારત યોજના હેઠળ અનેક નવા સ્ટાર્ટ-અપ શરૂ થયાં છે. છેલ્લા 3 વર્ષમાં સ્ટાર્ટ-અપને કારણે નવી છ લાખ રોજગારી ઉભી થઈ છે. આગામી ચાર વર્ષમાં 50 હજાર સ્ટાર્ટ અપ મારફતે વધારે 20 લાખ નોકરીઓ ઉભી થવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુછ ગોયલે જણાવ્યું હતું કે, દેશમાં નોંધાયેલા 60 હજારથી વધુ સ્ટાર્ટ-અપએ છેલ્લા ત્રણ વર્ષોમાં છ લાખથી વધુ રોજગારીની તકોનું નિર્માણ કર્યું છે. ભારતીય અર્થતંત્રને ડિજીટલ વિશ્વમાં જ્ઞાન આધરિત અર્થતંત્ર બનાવવામાં સ્ટાર્ટઅપ મહત્વની ભૂમિકા ભજવશે. ગ્રામીણ વિસ્તારોના વણકરો ખેડૂતો અને તેમના ઉત્પાદનો ડીજીટલ માધ્યમથી વેચી શકે, તે હેતુથી તેમને મદદરૂપ થવા સ્ટાર્ટ-અપને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી અને સ્ટાર્ટ-અપના પ્રતિનિધિઓ સાથે આ મહીને યોજાનારી વાતચીતના પગલે આ ક્ષેત્રમાં રોકાણકારોનો વિશ્વાસ હજી વધ્યો છે.
આગામી ચાર વર્ષમાં બીજા 50000 સ્ટાર્ટ અપ રજિસ્ટર કરવાની તૈયારી થઈ રહી છે.આ દરમિયાન આ ક્ષેત્રમાં વધુ 20 લાખ નોકરીઓ પેદા થવાની આશા છે. સરકારની પોલીસી પ્રમાણે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ અપને સતત ત્રણ વર્ષ માટે ઈનકમ ટેક્સ અને કેપિટલ ગેન ટેક્સમાં છુટ આપવામાં આવે છે અને પેટન્ટની માન્યતા માટે ફાસ્ટ ટ્રેક કાર્યવાહી કરી આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા મૂડીરોકાણ વધવાની સાથે રોજગારીની તકો ઉભી થાય તે માટે વિવિધ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.