અમદાવાદઃ રાજ્યમાં ખેતીની અને સરકારી જમીનો પર ગેરકાયદે કબજો કરવાના બનાવો વધતા સરકારે લેન્ડ ગ્રેબીંગનો કડક કાયદો બવાવ્યો છે. આ કાયદા અંતર્ગત છેલ્લા છ મહિનામાં 5000થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે. રાજ્યમાં જમીન માફિયા બેફામ બનેલા છે. અંદાજે 200 કેસમાં 750 લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આટલા મોટા પ્રમાણમાં આવેલી ફરિયાદો જોઇને સરકારનો વિભાગ પણ ચોંકી ઉઠો છે. સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં ફરિયાદો થઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં જેટલી ફરિયાદો થઇ છે તેમાં 30 લાખ ચોરસમીટર જમીન પર જમીન માફિયાઓએ કબજો પ્રસ્થાપિત કર્યેા છે. જંત્રી પ્રમાણે આ જમીનની કિંમત 600 કરોડ રૂપિયા થાય છે. આશ્ચર્યની બાબત એવી છે કે 77 કેસમાં ખુદ સરકારે સુઓમોટો એફઆઇઆર નોંધાવી છે.
રાજ્યમાં લેન્ડ ગ્રેબીંગ કાયદો લાગુ થયાંના ઓછા સમયમાં 4838 જેટલી ફરિયાદ સામે આવી છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરી થી મે મહિના દરમિયાન આટલી મોટી સંખ્યામાં ફરિયાદો મળી છે. ફરિયાદોની તપાસ અને ચકાસણીના અંતે તથ્ય માલૂમ પડે તો ગુનો નોંધવામાં આવતો હોય છે. જમીન પચાવી પાડવા સામે જે કાયદો બનાવવામાં આવ્યો છે તે પ્રમાણે સબંધિત વિભાગોને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી છે. આ ગુનામાં ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા છે.
લેન્ડ ગ્રેબીંગના સૌથી વધુ 375 કેસ અમદાવાદમાં નોંધાયા છે, યારે સુરતમાં 260 , વલસાડમાં 255 , રાજકોટમાં 225 અને બનાસકાંઠા જિલ્લામાં 220 કેસો જોવા મળ્યા છે. આ કાયદો ડિસેમ્બર 2020માં અમલી બન્યો છે. જમીન માફિયાઓએ જે જમીન પચાવી પાડી છે તેની જંત્રી કિંમત ઓછી આકારવામાં આવી છે પરંતુ બજાર કિંમતનો આંકડો ખૂબ મોટો છે. મહેસૂલ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે જમીન પચાવી પાડવાના કેસમાં સરકાર ઓનલાઇન અરજી સ્વીકારી રહી છે. આ તમામ અરજીઓનું મોનિટરીંગ કરવામાં આવે છે જેથી તેનો કડકથી અમલ થઇ શકે. નવા કાયદા પ્રમાણે વધુમાં વધુ સજા 14 વર્ષની થઇ શકે છે.