અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ખૂબજ નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરૂં આયોજન કરીને વેક્સિનેશનની ઝૂંબેશ તેજ બનાવી છે. દરમિયાન એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શક્યતાને નકારી દીધી છે ત્યારે ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર પ્રોફેસર દિલીપ માવલંકરે જણાવ્યું છે કે, મ્યુનિ.ના સર્વે અનુસાર અમદાવાદમાં 82 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે જ્યારે રાજ્યમાં આ આંકડો 75 ટકા સુધી પહોંચી ગયો છે તે કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર બિનઅસરકારક સાબિત થઈ શકે છે હાલ રાજ્યમાં નવા વાઈરસના અણસાર નથી. તેમણે જણાવ્યું કે, કોરોના થવાના કારણે ઘણા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે અને મોટાભાગના લોકોએ રસીનો પ્રથમ ડોઝ પણ મેળવી લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તબીબોના મતે ગુજરાતમાં કોરોના હવે સામાન્ય બની જશે અને છૂટાછવાયા કેસ નોંધાતા રહેશે. એટલે કે જે પ્રમાણે ચિકનગુનિયા અને ડેન્ગ્યુંના કેસ નોધાઈ રહ્યા છે તે પ્રમાણે કોરોનાના કેસ પણ નોંધાતા રહેશે પણ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતમાં 75 ટકા લોકોમાં એન્ટીબોડી બની છે. આઈસીએમઆરના સર્વે મુજબ મુંબઈમાં 85 ટકા લોકોમાં એન્ટિબોડી બન્યા છે. દેશમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં 79 ટકા જ્યારે કેરળમાં સૌથી ઓછા 45 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે. એન્ટિબોડી તૈયાર થવામાં ગુજરાત ચોથા ક્રમે છે.આરોગ્ય વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કહ્યું કે, એઈમ્સના ડાયરેક્ટરનું નિવેદન સુખદ છે તેમ છતા સંભવિત ત્રીજી લહેર માટે ગુજરાત સરકારની પૂરી તૈયારી છે. આરોગ્ય વિભાગ કોઈ જ રિસ્ક લેશે નહીં. સરકારે રસીકરણ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. રસીકરણમાં ગુજરાત દેશમાં નંબર 1 પર છે. 35 ટકા લોકોએ રસીના બંને ડોઝ જ્યારે 82 ટકાએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. રાજ્યના 8500 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યુ છે.