Site icon Revoi.in

‘આઝાદીના 75મા વર્ષે હવે દેશ માટે જીવવાનો સમય આવી ગયો છે’: કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

Social Share

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં હર ઘર તિરંગા અભિયાન સમારોહ ખેડા તાલુકાના નવાગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કલમબંધી હાઇસ્કુલથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી પણ યોજવામાં આવી અને નવાગામના સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય સંચાર મંત્રીની આગેવાનીમાં તિરંગા નવાગામ ખાતે કલમબંધી હાઇસ્કુલથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી કાઢવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લા વિકાસ અધિકારી, ખેડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ, પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, શિક્ષકો અને કલમબંધી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે નવાગામ ખાતે પોતાના જીવન સંસ્મરણો યાદ કરતા ગાંધીજીની દાંડી માર્ચની ચળવળ, આઝાદી અને વર્તમાન ભારતમાં દેશ માટે પ્રત્યેક નાગરિકની જવાબદારી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં નિર્માણ કરવામાં આવેલી વ્યવસ્થાઓનું જતન કરવું એ પ્રત્યેક નાગરિકની જવાબદારી છે. તેમણે નવાગામ ગ્રામજનો પાસેથી પાણીનો અને વીજળીનો સપ્રમાણ ઉપયોગ કરવાનો સંકલ્પ કરાવ્યો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે જનભાગીદારીથી જ દેશપ્રેમ અને વિકાસ શક્ય બને છે. તેમણે ભારતીય ધ્વજનો ટુંકો ઐતિહાસિક પરિચય આપી ધ્વજનું મહત્વ સમજાવ્યું હતું અને ધ્વજની ઉત્સવની જેમ ઉજવણી કરવા સમગ્ર રાષ્ટ્રીય સ્તરે તક આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ત્યાંની શાળાઓની મુલાકાત લીધી હતી અને આઝાદીના અમૃત મહોત્સવનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ મંત્રીએ કલમબંધી વિદ્યાલય ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. દેવુસિંહ ચૌહાણે ખેડા સત્યાગ્રહ અને દાંડી સત્યાગ્રહ દરમિયાન શહીદો/સ્વતંત્ર સેનાનીઓને દેશ માટે આપેલા બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને અને તેમના પરિવારના સભ્યો સાથે સ્નેહમિલન કર્યું હતું. તેમજ ત્યાંના ગામડાના લોકોમાં ધ્વજનું વિતરણ કર્યું અને નવાગામ ખાતે ગ્રામજનોના ઘર પર ધ્વજ ફરકાવ્યા અને લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા.

ઉલ્લેખનિય છે કે બ્રિટિશ રાજ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા 1918ના ખેડા સત્યાગ્રહ અને 1930ના દાંડી સત્યાગ્રહ આયોજિત કરવામાં આવ્યા હતા તે દરમિયાન નવાગામનો હંમેશા મહત્વનો ભાગ રહ્યો છે. નવાગામનું ઐતિહાસિક મૂલ્ય હોવાથી MoSC એ હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી માટે આ સ્થળ પસંદ કર્યું છે.