દિલ્હી:વ્હાઇટ હાઉસની રેસ માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે યુએસ કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઇટ હાઉસ રેસના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટેના રાજ્યના પ્રાથમિક મતદાનમાંથી હટાવી દીધા છે.
અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવ્યો છે. કોલોરાડો હાઈકોર્ટે તેના 4-3 બહુમતી નિર્ણયમાં કહ્યું કે, મોટાભાગની કોર્ટ માને છે કે ટ્રમ્પ 14મા સુધારાની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપનાર કોર્ટના તમામ જજોની નિમણૂક ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરો દ્વારા કરવામાં આવી હતી.
કોલોરાડો સ્ટેટની હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજના નિર્ણયને પલટીને આ આદેશ આપ્યો હતો. નીચલી અદાલતે કહ્યું હતું કે ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ (યુએસ સંસદ) પર હુમલા માટે ટોળાને હિંસા માટે ઉશ્કેર્યા હતા. પરંતુ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં કારણ કે તે સ્પષ્ટ નથી કે બંધારણની તે કલમ રાષ્ટ્રપતિ પદને આવરી લે છે કે કેમ.હાઈકોર્ટે 4 જાન્યુઆરી સુધી અથવા યુએસ સુપ્રીમ કોર્ટ આ મામલે નિર્ણય ન કરે ત્યાં સુધી તેના નિર્ણય પર રોક લગાવી દીધી છે. તે જ સમયે આ નિર્ણય સાથે હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટ માટે તે નિર્ણય લેવો પડકારરૂપ બનશે કે શું ટ્રમ્પ રિપબ્લિકન પક્ષમાંથી નોમિનેશનની રેસમાં રહી શકે છે.