નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્ર વેગવંતુ બન્યું હતું, જેના પગલે છેલ્લા એકાદ વર્ષથી જીએસટીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન એપ્રિલ 2023માં GST રેવન્યુ કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનો સૌથી વધુ ટેક્સ કલેક્શનનો આંકડો છે. નાણા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તા. 20મી એપ્રિલના રોજ એક જ દિવસમાં જીએસટીનું સૌથી વધારે કલેક્શન થયું હતું.
આંકડાઓ અનુસાર એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ થયું છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અગાઉ માર્ચ 2023માં દેશનું GST કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. ગયા વર્ષે એપ્રિલ 2022માં જીએસટી કલેક્શન રૂ. 1,67,540 કરોડ હતું, જેનો અર્થ છે કે આ વર્ષે એપ્રિલમાં જીએસટી કલેક્શન એક વર્ષ અગાઉની સરખામણીએ રૂ. 19,495 કરોડ વધ્યું છે. એક વર્ષ અગાઉની સરખામણીએ આ વર્ષે જીએસટી કલેક્શનમાં 12 ટકાનો વધારો થયો છે.
નાણા મંત્રાલયના ડેટા અનુસાર, 20 એપ્રિલ 2023ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ GST કલેક્શન થયું હતું. તેથી, 9.8 લાખ વ્યવહારો દ્વારા રૂ. 68,228 કરોડનું કલેક્શન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં વર્ષ 2022-23 દરમિયાન જીએસટીનું સરેરાશ ગ્રોસ માસિક કલેક્શન 1.51 લાખ કરોડ રૂપિયા છે અને માસિક GST રેવન્યુ કલેક્શન સતત 12 મહિના માટે 1.4 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠકમાં નાણાપ્રધાને CBICને આગામી સપ્તાહ સુધીમાં GST રિટર્નની ચકાસણીની સ્વચાલિત પ્રક્રિયા શરૂ કરવા અને ટેક્નોલોજીના વધુ ઉપયોગ દ્વારા કરદાતાનો આધાર વધારવા માટે એક એક્શન પ્લાન અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.