અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી/વહીવટદારોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દેશમાં આઠ વર્ષના સમયગાળામાં રૂ. 20 હજાર કરોડની કિંમતનું 3.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે, આપણા બંધારણે કાયદો અને વ્યવસ્થાને રાજ્યોનો મુદ્દો બનાવ્યો છે અને તે યોગ્ય પણ છે. પરંતુ છેલ્લા ચાર દાયકામાં, એવા ઘણા ગુનાઓ વિવિધ પદ્ધતિઓ દ્વારા અસ્તિત્વમાં આવ્યા છે, જે માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રકૃતિના પણ છે, જેમ કે માદક દ્રવ્યોની દાણચોરી અને તેનો ફેલાવો. દેશની સરહદોની બીજી બાજુથી અને દેશની સરહદોની અંદરથી પણ આપણા દેશ પર આ અપરાધ થોપવામાં આવી રહ્યો છે, આંતરરાજ્ય ગેંગનાં માધ્યમથી આ ગુનો નાનાં શહેરો, ગામડાઓ અને નગરો સુધી પહોંચી ગયો છે અને આપણી યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં જો આપણી પાસે સરહદ પારની લડાઈ લડવાનો અભિગમ ન હોય તો આપણે તેને નિયંત્રિત કરી શકતા નથી, તેથી જ ભારત સરકાર, તમામ રાજ્યોની પોલીસ અને નાર્કોટિક્સ વિભાગની તમામ એજન્સીઓ, આરોગ્ય વિભાગ અને સીમા, સમાજ કલ્યાણ, રાજસ્વ સુરક્ષાનું કામ કરતા તમામ સીએપીએફ, તટરક્ષક દળો અને નૌકા દળના વિસ્તૃત સમન્વય કરીને કોઈ નીતિ ન બનાવીએ તો આ સમસ્યાનો સંપૂર્ણ નાશ કરવો અશક્ય છે. એટલે જ મોદીજીનાં નેતૃત્વમાં સમન્વય અને સહયોગના આધાર પર નાર્કોટિક્સ વિરુદ્ધ આપણી લડાઈને મજબૂત, પરિણામલક્ષી અને સફળ બનાવવાનો અભિગમ 2019થી લેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રાદેશિક પરિષદો બાદ જિલ્લા કક્ષાના એન્કોર્ડની રચના થઈ છે, એફએસએલનો ઉપયોગ પણ વધ્યો છે, રાજ્યોની વડી અદાલતોમાં રાજ્ય વહીવટીતંત્ર દ્વારા સ્પેશિયલ અદાલતોની પરવાનગી માગવાની સંખ્યા પણ વધી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, એક તરફ નશીલા દ્રવ્યો આપણી યુવા પેઢીને ઉધઈની જેમ ખતમ કરી રહ્યાં છે અને બીજી તરફ નશીલા દ્રવ્યોના વેપારમાંથી મળતું ગેરકાયદેસર નાણું આતંકવાદને પણ પોષે છે.
તેમણે જણાવ્યું હતું કે, દેશની યુવા પેઢીને સુરક્ષિત રાખવા અને આતંકવાદને મળતા ભંડોળને ગંભીર ફટકો પડે તે હેતુથી ભારત સરકારની તમામ એજન્સીઓ, રાજ્ય સરકારોની તમામ એજન્સીઓ અને પોલીસને આ લડાઈ સામૂહિક લડાઇ તરીકે, એક જુસ્સાથી લડવી પડશે અને જીતવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, “ભારતમાં આજે નશીલા દ્રવ્યો સામેની લડાઈ એક નાજુક અને નિર્ણાયક તબક્કે છે અને જો આપણે આ જ વ્યૂહરચના સાથે લડીશું તો આપણે જીતીશું, પરંતુ જો આપણે વિખેરાઇને તેને એક સામાન્ય ગુના તરીકે માનીને ચાલીએ તો ડ્રગ ઓપરેટરો જીતી જશે.”
અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની આઝાદીનાં આ અમૃત મહોત્સવનાં વર્ષમાં નરેન્દ્ર મોદીએ ‘નશામુક્ત ભારત’નું નિર્માણ કરવાનું જે લક્ષ્ય આપણી સમક્ષ રાખ્યું છે એમાં સફળતા હાંસલ કરવાની જ છે અને આ દિશામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ભારત સરકારની તમામ એજન્સીઓ એકજૂથ થઈને કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 દિવસ દરમિયાન 75,000 કિલો નશીલા દ્રવ્યોનો નાશ કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. પરંતુ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આ લક્ષ્ય સમય પહેલાં માત્ર 60 દિવસ પહેલા જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યું. તેમણે કહ્યું કે આજે આ ખાસ અભિયાનમાં એનસીબી દિલ્હી, એનસીબી અમદાવાદ અને ગુજરાત પોલીસ દ્વારા લગભગ 1864 કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં લગભગ 1 લાખ 65 હજાર કિલોગ્રામ જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સનો નાશ કરી દેવાયો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે, એનસીબી તમામ રાજ્યોની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાથે સંકલન કરીને માદક પદાર્થોની જપ્તી અને તેના નાશમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે, જેથી નરેન્દ્ર મોદીના નશામુક્ત ભારતના સંકલ્પને સાર્થક બનાવી શકાય. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીએમ મોદીનાં દિશાનિર્દેશો પર ગૃહ મંત્રાલયે તમામ નાર્કોટિક્સ પર લગામ કસવા સંસ્થાગત માળખાની મજબૂતી, તમામ નાર્કો એજન્સીઓનું સશક્તીકરણ અને સમન્વય અને વિસ્તૃત જાગૃતિ અભિયાનની ત્રિ સૂત્રી ફોર્મ્યુલા અપનાવી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં કામગીરી અસરકારક બનાવવા માટે મોદી સરકારે ‘સંપૂર્ણ સરકારી અભિગમ’ અંતર્ગત આંતર-વિભાગીય સંકલન પર સતત ભાર મૂક્યો છે, જેનાં ટૂંકા ગાળામાં સફળ પરિણામો દેખાઇ રહ્યાં છે અને તેનો પુરાવો છે વર્ષ 2014 પછી નશીલા દ્રવ્યોનું પકડાવું અને જપ્તી છે.
2006-13 | 2014-22 | ||
કુલ કેસ | 1,257 | 3,172 | 152% વધારે કેસ નોંધાયા |
કુલ ધરપકડ | 1,363 | 4,888 | 260% વૃદ્ધિ |
જપ્ત ડ્રગ્સ (કિગ્રા) | 1.52 લાખ કિગ્રા | 3.33 લાખ કિગ્રા | બમણાંથી પણ વધુ |
જપ્ત ડ્રગ્સ (કરોડમાં) | 768 કરોડ | 20 હજાર કરોડ | 25 ગણું વધારે |