રાજકોટના યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની સવા લાખ ગુણીની મબલખ આવક
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખરીફ પાકની સીઝન હજુ જોરદાર જામેલી જ હોય તેમ રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં સવા લાખ ગુણી મગફળીની રેકોર્ડબ્રેક આવક થતા નવનિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ નવો ચીલો ચાતર્યો હોય તેમ મગફળી ભરેલા વાહનોને ચાંદલા, શ્રીફળ વધેરી એન્ટ્રી અપાવી હતી.
રાજકોટ માર્કેટયાર્ડમાં ગત અઠવાડીયે નવા ચેરમેન તરીકે જયેશ બોઘરા નિયુક્ત થયા હતા. બોઘરાએ સતા સંભાળ્યા બાદ પ્રથમ વખત મગફળીની આવક માટે દરવાજા ખોલ્યા હતા. મગફળી ભરેલા 1000 થી વધુ વાહનોની બે કિલોમીટરની લાંબી લાઈન હતી. નવનિયુક્ત ચેરમેને નવો ચીલો ચાતર્યો હોય તેમ સૌથી પહેલા વાહનને કંકુ ચોખાના છાંટણા કર્યા હતા અને નાળીયેર વધેર્યુ હતું ત્યારબાદ યાર્ડમાં પ્રવેશ કરાવ્યો હતો.બોઘરાએ જણાવ્યું હતું કે મગફળીની આવકો મબલખ હતી. 1000 થી વધુ વાહનો હોવા છતાં તમામને યાર્ડમાં પ્રવેશ કરાવી દેવામાં આવ્યો હતો. સવા લાખ ગુણી જેટલી મગફળી ઠલવાયાનો અંદાજ છે.
માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ વધુમાં જમાવ્યુ હતું કે, મગફળીની આવકો ચીકકાર થઈ રહી છે પરંતુ પુરતા પ્રમાણમાં વેચાણ થતુ નથી એટલે એક વખત આવક થાય પછી બીજી વખત તેની છૂટ આપવામાં સરેરાશ એકાદ સપ્તાહનો સમય નીકળી જાય છે. આજે સવા લાખ ગુણીની આવક થઈ છે. દરરોજ આઠથી દશ હજાર ગુણીનું વેચાણ થાય છે તે જોતા આ માલનો નિકાલ થવામાં બાર થી પંદર દિવસ નીકળી જાય તેમ છે પરંતુ વેચાણ ઝડપી બને અને વધુ મીલરો દાણાના કારખાનાવાળા તથા વેપારીઓ ખરીદી માટે આવે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવશે.